September 20, 2024

ભારત સાથે રણનીતિક સંબંધો મજબૂત કરવા અપીલ, US સંસદમાં પ્રસ્તાવ રજૂ

Us India Relations: યુએસના નીચલા ગૃહ પ્રતિનિધિમંડળમાં દ્વિપક્ષીય દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં ભારત અને અમેરિકાના લોકશાહી, ધાર્મિક બહુલવાદ, માનવ અધિકાર અને કાયદાના શાસનના સિદ્ધાંતોને માન્યતા આપી છે. આ પ્રસ્તાવ અમેરિકન સાંસદ ટોમ સુઓઝીએ રજૂ કર્યો છે, જે ડેમોક્રેટ પાર્ટીના સાંસદ છે. આ પ્રસ્તાવને 36 અન્ય સાંસદોએ પણ સમર્થન આપ્યું છે અને તેમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે.

અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયની પ્રશંસા કરી
પ્રસ્તાવમાં એ વાત પર ભાર મૂક્યો છે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની ભાગીદારી વિશ્વની સૌથી મહત્વપૂર્ણ લોકતાંત્રિક ભાગીદારીમાંની એક છે. આ ભાગીદારી લોકશાહી, ધાર્મિક બહુલવાદ, માનવ અધિકાર, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા સિદ્ધાંતો પર આધારિત છે. ભારત અને અમેરિકાના લોકો વચ્ચેના મજબૂત સંબંધો બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ભારતીય મૂળના 40 લાખથી વધુ લોકો રહે છે અને અમેરિકાના તમામ ક્ષેત્રોમાં ભારતીય મૂળના લોકોનું પ્રદર્શન શાનદાર છે. ભારતીય મૂળના 80 ટકા લોકો સ્નાતક છે.

ભારતના ધાર્મિક બહુલવાદની પ્રશંસા કરી
પ્રસ્તાવ મુજબ, ભારતમાં ધાર્મિક બહુલવાદનો સમૃદ્ધ ઇતિહાસ છે, જેમાં ઘણા ધર્મોના લોકો સાથે રહે છે. જેમાં કહેવામાં આવ્યું કે, યુએસમાં 80 ટકા ભારતીય વસાહતીઓ હિંદુ ધર્મ પાળે છે અને અમેરિકન હિંદુ વસ્તી કુલ વસ્તીના આશરે 1 ટકા હોવાનો અંદાજ છે. પ્રસ્તાવમાં અમેરિકાની સ્વામિનારાયણ સંસ્થાના વખાણ કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ (1921–2016)એ 4 ઓગસ્ટ, 1974ના રોજ ન્યૂયોર્ક શહેરમાં પ્રથમ BAPS હિંદુ મંદિરની સ્થાપના કરી હતી.

છેલ્લા 50 વર્ષોમાં, BAPS સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં 100 થી વધુ મંદિરોમાં વિકસ્યું છે, પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ મંદિરો હજારો પરિવારોને આધ્યાત્મિક જગ્યા પૂરી પાડે છે. તેમજ પૂજા, ફેલોશિપ, સામુદાયિક ભોજન, શિક્ષણ અને યુવાનો અને વૃદ્ધો માટે પ્રવૃત્તિઓ પૂરી પાડે છે.