September 20, 2024

પાલનપુરના કાણોદરને પાટણથી જોડતો રોડ બિસ્માર, તંત્રની ઊંઘથી જનતા ત્રાહિમામ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કાણોદરથી મેતા થઇ પાટણને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે. માર્ગ પર જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર ખાડા જોવા મળી રહ્યા છે અને આ ખાડારાજને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. તેમ છતાં છેલ્લા 11 વર્ષથી તંત્રના પેટનું પાણી હલતું નથી. જેને લઇ હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ચોમાસુ આવે અને રોડ ઉપર ખાડા પડે આ સમસ્યા તો તમે સાંભળી હશે. પરંતુ, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કાણોદરથી મેતા થઈ પાટણ જિલ્લાને જોડતો માર્ગ છેલ્લા 11 વર્ષથી બિસ્માર હાલતમાં છે. 11 વર્ષ અગાઉ આ રોડ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો. પરંતુ, ત્યારબાદ તંત્ર જ આ રોડને ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

છેલ્લા 11 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે. રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને આ ખાડા રાજને કારણે આ માર્ગ પરથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકો રોજબરોજ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

જોકે સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆતો પણ કરી છે માર્ગ પર વચ્ચે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તંત્રનું અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ તે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને તંત્ર આ રોડનું સમારકામ કે નવીનીકરણ કરવાનું શરૂ કરતું નથી તેને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. ત્યારે, વર્ષોથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકો આજે પણ તંત્ર પાસે એ જ આજીજ કરી રહ્યા છે કે તંત્ર જાગે અને આ રોડનું સમારકામ કે નવીનીકરણ કરે તો સ્થાનિકો પોતાની આ હાલાકીમાંથી છુટકારો મેળવી શકે. ત્યારે જોવું રહ્યું કે છેલ્લા 11 વર્ષથી ન જાગેલું બનાસકાંઠા નું તંત્ર હવે જાગે છે કે કેમ.