September 20, 2024

ગંદકીનો ઢગ બનેલ રણમલ તળાવની આખરે જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ શરૂ

સંજય વાઘેલા, જામનગર: જામનગર શહેરની મધ્યમમાં આવેલા રણમલ તળાવમાં વરસાદ બાદ પાણીની આવક થતી. પરંતુ પાણી સાથે કચરો અને મૃત હાલતમાં અસંખ્ય માછલાં પણ તળાવમાં થલવાયા છે. જેના કારણે તળાવની પાળે આવતા લોકો ગંદકી અને દુર્ગધથી પરેશાન થયા છે. વરસાદના વિરામ બાદ મહાનગર પાલિકા દ્વારા તળાવની ફરતે કચરો, મૃતહાલતમાં માછલાઓને દુર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંદાજે બે સપ્તાહ સુધી આ કામગીરી ચાલશે.

જામનગર શહેરના શાન એવા રણમલ તળાવમાં પાણીની સાથે પ્લાસ્ટીક, મૃતહાલતમાં અસંખ્ય માછલાઓ અને કચરો ઠલવાયો છે. પ્રીમોન્સીનની કામગીરીમાં કેનોલો સાફ તો કરવામાં આવી હોવાનો તંત્ર દાવો કરે છે. આમ છંતા પાણીના પ્રવાહમાં પાણી સાથે મોટા પ્રમાણમાં કચરો તળાવમાં ઠલવાયો છે. જેના કારણે તળાવને ફરતે હાલ કચરાનો ગંજ જોવા મળે છે.

સાથે અસંખ્ય માછલાઓ મૃતહાલતમાં તળાવમાં ઠલવાયા હોવાથી તળાવની ફરતો દુર્ગધ આવે છે. જે માટે તળાવની ફરતે પથરાયેલા કચરાના જથ્થાને દુર કરવા તેમજ મૃતહાલતમાં રહેલા અસંખ્ય માછલાને તળાવમાંથી બહાર કાઢવા માટે બોટનો ઉપયોગ કરીને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રણમલ તળાવને આગામી બે સપ્તાહ સુધી સતત કામગીરી કરીને સ્વચ્છ કરવા પ્રયાસો શરૂ થશે. કેનાલમાં દરેડથી આવતા કેમિકલ્સયુકત પાણીના કારણે માછલાઓના મૃત્યુ થયા હોવાનુ અનુમાન છે. કેનાલમાં રહેલા કચરો સંપુર્ણરીતે સફાઈ ના થતા તે કચરો તળાવમાં ઠલવતા ચારેય તરફ ફેલાયો છે. પ્રીમોન્સુન માટે 1 કરોડથી વધુનો ખર્ચે કર્યા બાદ પણ કેનાલમાં રહેલ કચરો તળાવમાં આવતા મહાનગર પાલિકા દ્વારા તળાવની સફાઈ કરવાની ફરજ પડી છે.