September 20, 2024

ભોગાવો નદી પર નવો બ્રિજ ન બનતા વિદ્યાર્થીઓ સહિત 10 ગામના લોકોને હાલાકી

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદી પર આવેલો પુલ અંદાજે 10 માસ પહેલા ધરાશાયી થઈ ગયો હતો. તે સમયે તંત્રના અધિકારીઓ અને ધારાસભ્ય સહીતના આગેવાનો દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની હૈયાધારણા આપી હતી. પરંતુ આ હૈયાધારણા પોકળ સાબિત થઈ છે અને પુલ ધરાશાયી થયાના 10 માસ બાદ આજે પણ ગામલોકો નદીમાં બનાવેલા કાચા ડાયવર્ઝન પરથી પસાર થવા મજબુર બન્યાં છે.

વઢવાણ તાલુકાના વસ્તડી તેમજ આસપાસનાં 10થી વધુ ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો બ્રિજ ગત સપ્ટેમ્બર માસમાં ધરાશાયી થઈ ગયો હતો. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વસ્તડી સહીતના આસપાસનાં ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો. તેથી તંત્ર દ્વારા ભોગાવો નદીમાંથી ડાયવર્ઝન આપી કામચલાઉ કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે અને છેલ્લા 10 મહિના કરતાં વધુ સમયથી વસ્તડી, ચુડા સહીતના 10થી વધુ ગામના હજારો લોકો નદીમાં બનાવેલા કાચા રસ્તા પરથી જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 2.5 ઇંચ

હાલ ચોમાસાના કારણે નદીમાં પુષ્કળ પાણી હોવા છતાં લોકો અહીંથી પસાર થઈ રહ્યાં છે. આ કાચો રસ્તો પણ ઉબડખાબડ અને પથરાળ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વસ્તડી ગામે આવેલી શાળા પણ નદીના સામા કાંઠા તરફ હોવાથી આ જોખમી રસ્તા પરથી વિધાર્થીઓ પણ પસાર થઇ રહ્યાં છે. ભોગાવો નદીમાં હાલ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયેલા છે. ત્યારે ઉપરવાસમાં જો વધુ વરસાદ થાય તો ભોગાવો નદીમાં વધુ પાણી આવે તો આ કાચો રસ્તો તુરંત ધોવાઇ જાય.

વસ્તડી સહીતના 10થી વધુ ગામના લોકોને હાઇવે તરફ તેમજ સુરેન્દ્રનગર જવા માટે 10થી 15 કિલોમીટરનો ધરમધક્કો ખાવાની નોબત આવે તેમ છે. વસ્તડીનો પુલ ધરાશાયી થયો તે સમયે ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર સહીતનાઓ દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી નવા બ્રિજ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.