November 24, 2024

મેલેરિયા નાબુદી અભિયાન અંતર્ગત જુનાગઢમાં એક ખાસ પ્રોજેક્ટની શરૂઆત

સાગર ઠાકર, જુનાગઢ: કેન્દ્ર સરકારના મેલેરિયા નાબુદી અભિયાન 2030 અને રાજ્ય સરકારના મેલેરિયા નાબુદી અભિયાન 2027 અંતર્ગત હવે જૂનાગઢમાં ડ્રોન પ્રોજેક્ટ ફોર ફાઈન્ડીંગ આઉટડોર પોટેન્શિયલ મોસ્કીટો બ્રીડીંગ સોર્સ એન્ડ લાર્વીસાઈટ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે.

જુનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા વરસાદની સિઝન બાદ થતાં મલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા વેક્ટરજન્ય રોગો સામે લડવા અદ્યતન ડ્રોન ટેક્નોલોજી અપનાવી છે. સૌરાષ્ટ્માં સૌ પ્રથમવાર જૂનાગઢ મનપાએ ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગના નિયંત્રણ માટેની આ શરૂઆત કરી છે. ડ્રોનની મદદથી મચ્છરની ઉત્પત્તિના કેન્દ્ર શોધવા અને તેની નાબૂદી માટેના આ પ્રોજેક્ટનો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા અને કમિશ્નર ડો. ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો,

મચ્છરજન્ય રોગના નિયંત્રણ માટે ડ્રોનની મદદથી જૂનાગઢ શહેરમાં બે વખત સર્વે કરવામાં આવશે જેમાં મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવામાં આવશે, વરસાદ બાદ ભરાયેલા પાણીમાં મચ્છરના લારવા વિકાસ પામતા હોય છે જેનાથી મચ્છરનો ઉપદ્રવ થાય છે અને મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો થાય છે, જેના નિયંત્રણ માટે એક અઠવાડીયામાં મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી હોય છે, 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે કે જ્યાં ફીલ્ડનો સ્ટાફ પહોંચી શકતો નથી અને ત્યાં દવાનો છંટકાવ કરવો સંભવ નથી આવા સ્થળોએ ડ્રોનની મદદથી હવે દવાનો છંટકાવ કરીને મચ્છર પર નિયંત્રણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં જુનાગઢ શહેરમાં ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરીયલ ફોટોગ્રાફ, લેટીટુડ, લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેના આધારે મળેલ સાઈટ પર ડ્રોનથી દવા છંટકાવની કામગીરી કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે અને તેઓ કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકશે, આ પ્રોજેક્ટ જાહેર આરોગ્ય માટે ઘણો મદદરૂપ સાબિત થશે.