200 કિલો ગાંજાના કેસમાં મોટો ખુલાસો, આરોપી જેલમાંથી ચલાવતો હતો નેટવર્ક
અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 200 કિલો ગાંજાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ગાંજાનું રેકેટ સુરતની લાજપોર જેલમાંથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સુરતના સચિન વિસ્તારની પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતની લાજપોર જેલમાંથી કુખ્યાત આરોપી શિવા મહાલિંગમ ગાંજાનું આ રેકેટ ચલાવતો હતો. જેલમાં રહીને પણ શિવા મહાલિંગમ ગાંજાની હેરાફેરી કરતો હતો. આરોપીની જેલમાંથી એક ફોન પણ મળી આવ્યો છે.
આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અનેક નામ સામે આવ્યા છે. લાજપોર જેલના સત્તાધીશોએ શિવા મહાલિંગમની જડતી લીધી હતી અને તેની બેરેકમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે ત્યાંથી એક ફોન પકડાયો હતો. ત્યારે આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
ક્રાઇમ બ્રાન્ચને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓરિસ્સાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશરે 200 કિલોથી વધુ ગાંજો અને MD સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓરિસ્સાથી આવતા ટ્રકમાં મોટી માત્રામાં સૂકવેલા ગાંજાનો પાવડર મળી આવ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. અંદાજે 1100 કિલો ડ્રગ્સ ઓરિસ્સાથી ટ્રકમાં લાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી અને આ જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. તેને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જેટલા લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.