September 20, 2024

ડૉક્ટરની ગરિમાને લાંછનરૂપ કિસ્સો, દાંતની સારવારના નામે ડેન્ટલ દંપત્તિએ પડાવ્યા લાખો રૂપિયા

કચ્છ: નલિયામાં ડેન્ટલ ડોકટર દંપતીએ દર્દીઓ પાસે ખોટી રીતે દાંતની સારવારના બહાને લાખો રૂપિયા પડાવ્યા હોવાનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માંડવી અને નલિયા ખાતે મોટવાણી ક્લિનિક ધરાવતા ડો.રાહુલ મોટવાણીએ અનેક દર્દીઓ સાથે દાંતની સારવાર બહાને ખોટી રીતે વધારા નાણાં માટે માથાકૂટ કરી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ડોકટરએ દર્દીઓ સાથે વધારાના નાણાં માટે કરેલ માથાકૂટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

 

અબડાસા તાલુકાના પરજાઉની એક મહિલાએ તેમના દાંતની સારવાર માટે નલિયામાં આવેલા ડૉ.રાહુલ મોટવાણી પાસે ગયા પછી તબીબે રૂ.10,500ની રકમ મેળવી લીધા પછી ત્રણ દાંતની કેપ લગાવી હતી અને ચોથા દાંતની કેપ લગાડવાના વધુ રૂપિયાની માગણી કરી ઉશ્કેરાઈ જઈ, ગાળો ભાંડી દવાખાનામાં પૂરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

ડો.મોટવાણીએ ગઢવાડાના મુકેશકુમાર ચત્રસિંઘ ચૌધરી પાસેથી રૂ.3.30 લાખ, દેવાભાઈ જાટ પાસે રૂ.4 લાખ, કુલદીપકૌર રઘુવીરસિંઘ નાગરા પાસેથી રૂ.34,751 તેમજ વરાડીયાના ગુરપ્રિતકૌર રણજૌતસિંઘ સરદાર પાસેથી રૂ.15 હજાર તથા કોઠારાના બાદલસિંઘ દીલીપસિંધ ચૌધરી પાસેથી રૂ.85 હજાર અને નારણપરના સાવજસિંહ જીવુભા જાડેજા પાસેથી રૂ.24,600ની રકમ વધારે લીધી હતી. તેઓ પણ નલિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કર્યા પોલીસ છતાં ડોકટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેવો દર્દીઓ આક્ષેપ કર્યો છે.