જૂનાગઢ મનપા બની એશિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવનારી મહાનગરપાલિકા
સાગર ઠાકર, જૂનાગઢઃ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે કે જેને વોટર ક્રેડિટ હાંસલ કરી હોય. જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડતાં મુખ્ય ત્રણ જળ સ્ત્રોત પૈકીના એક એવા હસનાપુર ડેમના જળસંચય માટે જૂનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડિટ હાંસલ થઈ છે. એક વર્ષની 10 લાખ ક્રેડિટ મળીને છેલ્લા 9 વર્ષની 90 લાખ વોટર ક્રેડિટ મનપાને મળી છે.
યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વાર શરૂ કરવામાં આવેલી વોટર ક્રેડિટ પ્રોગ્રામ અંતર્ગત પાંચ સેક્ટરનો સમાવેશ થાય છે. તેમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ પ્રોજેક્ટ, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અને અન્ય એલિજિબલ પ્રોજેક્ટ આમ પાંચ સેક્ટર અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ માટે જૂનાગઢના હસનાપુર ડેમની પસંદગી થઈ અને તેને લગતી કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મનપા દ્વારા આ પ્રોજેક્ટને લઈને તજજ્ઞો દ્વારા એક રિપોર્ટ તૈયાર કરીને સોંપવામાં આવ્યો હતો.
યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા પ્રમાણિત એજન્સી દ્વારા હસનાપુર ડેમનો રિપોર્ટ ચકાસવામાં આવ્યો હતો. નિયમાનુસાર તેની ટેક્નિકલ ચકાસણી, સ્થળ મુલાકાત તથા ઓડીટ કરીને પ્રોજેક્ટનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયાના અંતે યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા જૂનાગઢ મહાનગરુપાલિકાને 01/01/2014થી 31/12/2022 સુધી 9 વર્ષની 1000 લીટર દીઠ એક વોટર ક્રેડીટ લેખે 90 લાખ વોટર ક્રેડીટ આપવામાં આવી છે અને તેનું પ્રમાણપત્ર મનપાને મળ્યું છે. વોટર ક્રેડિટનું વેચાણ પણ કરી શકાય છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ તાજેતરમાં 100 વોટર ક્રેડિટનું વડોદરાની એક કંપનીને વેચાણ કરીને 25 હજારની આવક પણ કરી છે. આમ વોટર ક્રેડીટ પર્યાવરણ માટે તો જરૂરી છે જ સાથે કોર્પોરેશનને આર્થિક રીતે ફાયદો કરે છે.
વાતાવરણમાં થતા ફેરફારને લઈને આજે લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય બની રહેશે. પૃથ્વી પર મીઠું પાણી બહું ઓછું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેને જમીનમાં ઉતારવામાં આવે તો જમીનમાં પાણીના સ્તર જળવાઈ રહે જેના માટે દરેક ઘર દીઠ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે જરૂરી છે. જૂના જમાનામાં ઘરમાં ભૂગર્ભ ટાંકાઓ હતા અને તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો અને આખું વર્ષ તેમાંથી પાણી મળી રહેતું.
આધુનિક યુગમાં ભૂગર્ભ ટાંકાઓ લુપ્ત થતાં ગયા અને પાણીની સમસ્યા વધતી ગઈ છે. જો કે, હવે ઘણાં એવા જાગૃત લોકો છે કે, જેઓ નવા મકાનમાં પણ ભૂગર્ભ ટાંકા બનાવે છે અને તેમાં પાણીનો સંગ્રહ કરે છે અને તેમના પાણીના બોર આખું વર્ષ પાણી આપે છે. જળસંચય એવી બાબત છે કે, તેમાં કોઈ કોર્પોરેશન કે સરકાર જ પ્રયત્ન કરે તે પુરતું નથી તેના માટે લોકોએ જાગૃત થવું પડશે અને સરકારના પ્રયત્નોની સાથે જો લોકો ઘરે ઘરે જળસંચય કરશે તો તે પણ એક મોટી વોટર ક્રેડીટ બની શકશે.