September 20, 2024

વર્ગ 3-4ના કર્મીઓને કાયમી કરવાની વાત અફવા, સરકારની સ્પષ્ટતા

ગાંધીનગરઃ સોશિયલ મીડિયામાં સરકારી કર્મચારી વર્ગ 3 અને વર્ગ 4ના કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. ત્યારે સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી છે અને સમગ્ર વાતને અફવા ગણાવી છે.

વર્ગ-3 અને 4ની ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે સરકારે પરિપત્ર જાહેર કરી સમગ્ર વાતને અફવા ગણાવીને રદિયો આપ્યો હતો. સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે કોઈ સૂચના આપવામાં આવી નથી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ
ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ખાલી પડેલી કર્મચારીની જગ્યા પર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ભરતી થકી લોકોને હાલાકી પડતી હોવા સાથે ભ્રષ્ટાચારનો પણ ગંભીર આક્ષેપ થતા હતા. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે. આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.