October 12, 2024

AMCએ 180 કરોડનું ફૂલેકું ફેરવ્યું! આવાસના મકાનોની વહેંચણી ન થતાં જર્જરિત બનતા હવે તોડી નાંખશે

અમદાવાદઃ મ્યુનસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરના વટવા વિસ્તારમાં ગરીબ આવાસ યોજના (EWS) હેઠળ અંદાજે 182 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લગભગ 1000 જેટલા જર્જરિત મકાનો પાડી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજન અને બેદરકાર અમલને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનોની વહેંચણી કરવામાં આવી નહોતી. ત્યારે આખરે એક હજાર જેટલા મકાનો રહેવાલાયક ન રહેતા જર્જરિત બન્યા હતા અને હવે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 180 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાંખ્યું છે.

છેલ્લા 12 વર્ષથી આ મકાનોની વહેંચણી કરવામાં આવી નહોતી. AMC-U અધિકારીઓ સત્તાધીશોને કારણે વટવામાં EWSના 1000 તૈયાર મકાનો ખંડેર અને જર્જરિત બન્યા છે. વર્ષો સુધી ખાલી પડી રહેલા આ મકાનો અંગે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. ત્યારે હવે ડિમોલિશન કરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, મકાનો બનાવવા માટે 180 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે. તો હવે મકાન તોડવા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરશે. ત્યારે અનેક પ્રકારના સવાલ ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ, આ કામગીરીમાં સામેલ તમામ જવાબદારો સામે કેવા પગલાં લેવાશે તે પણ સવાલ ઉભો થયો છે.