September 20, 2024

વિજયનગર હાઇવે પર ભેખડ ધસી, વાહનવ્યવહાર ખોરવાયો

સાબરકાંઠાઃ વિજયનગર હાઇવે પર ભેખડ ખસી પડતા રસ્તો બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહાર અટવાયો છે. ખેરવાડાની બાજુમાં આવેલા હાઇવે પર પહાડની ભેખડ ઘસી પડી છે.

ભેખડ ધસી પડતા હાઇવે પર વાહન વ્યવહારને અસર થઈ છે. ભેખડ ધસી પડતા રોડ ઉપર મોટા પથ્થરો સાથે માટી પડતા હાઇવે બ્લોક થઈ ગયો છે. વહેલી સવારે પહાડ પરથી ભેખડ પડી જવાથી મોટી દુર્ઘટના ટળી છે. વિજયનગરના પહાડોમાં માટી સાથે પથ્થરોના ભાગથી બનેલા પહાડો છે. વરસાદમાં ભેજના કારણે માટી સાથે પથ્થરો સાથે ધસી પડવાના બનાવો બનતા હોય છે.

રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.