September 17, 2024

વડાપ્રધાન બનશે વતનના મહેમાન, GMDCમાં કરશે સભા

મિહિર સોની, અમદાવાદ: ત્રીજી વખત PM બન્યા બાદ PM નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પીએમ મોદી જીએમડીસીમાં સભા કરશે અને જીએમડીસીમાં મોટો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે. તેમજ બનાસકાંઠામાં બે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અમદાવાદ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અમદાવાદમાં ડોગ સ્કોડ અને બોબ સ્કોડ સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં DCP, ACP, PI, psi સહિત 5000 થી વધુ પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે . PMની આ મુલાકાતને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત બનાવવામાં આવી છે. આ મુલાકાતને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સતત ચેકીંગ કરે છે.