October 5, 2024

યાગી વાવાઝોડાએ મ્યાનમારમાં વિનાશ વેર્યો, 236 લોકોના મોત

Yagi Cyclone in Myanmar: યાગી વાવાઝોડાએ મ્યાનમારમાં વિનાશ વેર્યો છે. યાગી વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે જેને કારણે 236 લોકોના મોત થયા છે. લગભગ 77 લોકો ગુમ પણ થયા છે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) એ જણાવ્યું હતું કે હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઘણા સૂત્રોનું કહે છે કે સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા થયા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, પૂરને કારણે 631,000 લોકો અસરગ્રસ્ત થયા છે. જણાવી દઈએ કે આ વર્ષે એશિયાના સૌથી શક્તિશાળી તોફાન યાગી વાવાઝોડાએ એક સપ્તાહ પહેલા મ્યાનમાર, લાઓસ અને વિયેતનામમાં ભારે તબાહી મચાવી હતી.

પૂરના કારણે સર્જાઈ હતી તબાહી
પૂર એવા સમયે આવ્યું જ્યારે, ફેબ્રુઆરી 2021 ના ​​વિરોધ પ્રદર્શનમાં સેના અને દળો વચ્ચે વધતી અથડામણોને કારણે હજારો લોકોને પોતાના ઘર છોડીને પલાયન કરવાની ફરજ પડી હતી. આ સંઘર્ષને કારણે 30 લાખ લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું હતું. OCHAએ જણાવ્યું હતું કે પૂરને કારણે લોકોને ખોરાક, પીવાના પાણી, દવા, કપડાં અને આશ્રયની તાત્કાલિક જરૂર છે, પરંતુ નુકસાન પામેલા રસ્તાઓ અને પુલો રાહત પ્રયાસોને અવરોધે છે. પૂરને કારણે સૌથી વધુ નેપીડો ,સેન્ટ્રલ માંડલે વિસ્તાર, કાયા, કાયિન અને શાન રાજ્યો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

જણાવી દઈએ કે પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે ભારત આગળ આવ્યું છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે સૂકા રાશન, કપડાં અને દવાઓ સહિત 10 ટન સહાય ભારતીય નૌકાદળના જહાજ INS સતપુરા પર મ્યાનમાર મોકલવામાં આવી.

આ પણ વાંચો: કેનેડીયન સંસદમાં ઉઠ્યો બાંગ્લાદેશી હિન્દુઓનો મુદ્દો, ભારતવંશી સાંસદે બુલંદ અવાજે કહ્યું: “અમે તમને નિશાન નહીં બનવા દઈએ”

ભારતીય વાયુસેનાના C-17 લશ્કરી પરિવહન વિમાને લાઓસ માટે 10 ટન રાહત સામગ્રી પહોંચાડી, જ્યારે, વિયેતનામને 35 ટન સહાય મોકલવામાં આવી રહી છે. OCHAએ પણ અહેવાલ આપ્યો છે કે મ્યાનમારના રાહત પ્રયાસો ગંભીર ભંડોળની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.