October 12, 2024

દેશમાં નથી ઘટી રહ્યા ડુંગળીના ભાવ, સામાન્ય જનતાની વધશે મુશ્કેલીઓ

Onion Price Hike: કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં દેશમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં નથી આવી રહ્યા. રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના હાલ કોઈ સંકેત જણાઈ નથી રહ્યા. છૂટક બજારમાં ડુંગળીના ભાવ હજુ પણ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તેની લઘુત્તમ કિંમત રૂ. 27 પ્રતિ કિલો છે. એવામાં કહી શકાય કે દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત 49.98 રૂપિયા પ્રતિ કિલો છે.

એક અઠવાડિયા પહેલા સામાન્ય માણસની મુશ્કેલીને જોતા કેન્દ્ર સરકારે ઓછા ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં સામાન્ય લોકોને 35 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં બજારમાં ડુંગળીના ભાવમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો. રાજધાની દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં 5 થી 7 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં 3 થી 5 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળી રહ્યો છે. 31 ઓગસ્ટે ડુંગળીના ભાવ 55 રૂપિયા પ્રતિ કિલો હતા. જે 10 સપ્ટેમ્બર સુધી 58-60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

ડુંગળીનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે શ્રાવણ માસને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ, હવે ડુંગળીના ભાવમાં ફરી વધારો થઈ રહ્યો છે. દેશમાં ભારે વરસાદના કારણે ટ્રકોની અવરજવરને અસર થઈ છે. ટ્રકો બજારોમાં સમયસર નથી પહોંચી રહી. તેથી આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં હજુ વધારો જોવા મળી શકે છે.

જો કે, આગામી મહિનાઓમાં ડુંગળીની ઉપલબ્ધતા સારી રહેવાની ધારણા છે. કારણ કે આ વર્ષે ખરીફ વાવણી વિસ્તારમાં 102 ટકાનો વધારો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે ડુંગળીની સમગ્ર દેશની સરેરાશ કિંમત 49.98 રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે ડુંગળીનો પ્રચલિત ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો છે.

હાલમાં સરકાર પાસે ડુંગળીનો કેટલો સ્ટોક?
મળતી માહિતી મુજબ સરકાર પાસે હાલ 4.7 લાખ ટન ડુંગળીનો સ્ટોક છે. સરકારી એજન્સીઓ NAFED અને NCCF સસ્તી ડુંગળી વેચી રહી છે. આ એજન્સીઓ મોબાઈલ એપ દ્વારા ડુંગળી વેચી રહી છે. જો તે ભવિષ્યમાં આટલા ઓછા ભાવે ડુંગળી વેચવાનું ચાલુ રાખશે તો ડુંગળીના ભાવ ઘટી શકે છે. એજન્સીઓ પાસે હાલમાં 4.7 લાખ ટન ડુંગળીનો સુરક્ષિત સ્ટોક છે.

આ પણ વાંચો: CBI કેસમાં કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે આપશે ચુકાદો

તાજેતરમાં, ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં ડુંગળીની ઉપલબ્ધતા અને ભાવનું પૂર્વાનુમાન હકારાત્મક રહ્યું છે. ખરીફ સિઝનમાં ડુંગળીના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા મહિને ઝડપથી વધીને 2.9 લાખ હેક્ટર થયો હતો જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 1.94 લાખ હેક્ટર હતો. ખરેએ કહ્યું હતું કે લગભગ 38 લાખ ટન ડુંગળીનો સ્ટોક હજુ પણ ખેડૂતો અને વેપારીઓ પાસે ઉપલબ્ધ છે.