October 5, 2024

PM મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી USના પ્રવાસે, QUAD સમિટમાં ભાગ લેશે

PM Modi US Visit: PM નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયની જાણકારી અનુસાર, PM મોદી 21 સપ્ટેમ્બરે યુએસએના ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથા Quad leaders summit માં ભાગ લેશે. 22 સપ્ટેમ્બરે PM ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે, જ્યારે 23 સપ્ટેમ્બરે તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઑફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે.

આ મુલાકાત દરમિયાન PM મોદી ન્યૂયોર્કમાં અગ્રણી અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે પણ વાતચીત કરશે, જેથી AI, બાયોટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર વગેરે ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત બનાવી શકાય. વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના ત્રણ દિવસીય કાર્યક્રમની વિસ્તૃત વિગતો પણ જાહેર કરી છે.

વડાપ્રધાનની મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદી 21 સપ્ટેમ્બરના રોજ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ‘Quad’ નેતાઓની સમિટ બેઠકમાં ભાગ લેશે, જેનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કરશે. આ વર્ષે Quad સમિટની યજમાની કરવાનો ભારતનો વારો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ વર્ષે Quad સમિટની યજમાની કરવાની યુએસ વિનંતીને પગલે, ભારત 2025માં આગામી Quad સમિટની યજમાની કરવા માટે સંમત થયું છે.”

વિદેશ મંત્રાલયે કહ્યું, “Quad સમિટમાં, નેતાઓ (ગ્રૂપના ચાર સભ્ય દેશોના) છેલ્લા એક વર્ષમાં Quad દ્વારા પ્રાપ્ત થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.” અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો માટે તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સહકારનો એજન્ડા નક્કી કરશે. મંત્રાલયે કહ્યું કે PM મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. ન્યૂયોર્કમાં વડાપ્રધાન 22 સપ્ટેમ્બરે ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અદ્યતન ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યાપક સહયોગને પ્રોત્સાહન આપવા માટે મોટી અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી ભારત-યુએસ દ્વિપક્ષીય પરિદ્રશ્યમાં નિષ્ણાતો અને અન્ય સક્રિય હિસ્સેદારો સાથે પણ વાતચીત કરશે.