October 5, 2024

ભારતે પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, હોકી ફાઇનલમાં ચીનને હરાવી રચ્યો ઇતિહાસ

India wins Hockey Asian Champions Trophy: ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ખિતાબ જીતી લીધો છે. પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ આખરે ટીમ ઈન્ડિયાએ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. મેચનો એકમાત્ર ગોલ ભારતના જુગરાજે કર્યો હતો. ઈતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

મેચની શરૂઆતમાં ચીને આક્રમક વલણ અપનાવીને ભારતીય ડિફેન્સને બેકફૂટ પર મૂકી દીધું હતું. ભારતને પહેલા ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ બંને વખત ચીનના ગોલકીપરે પોતાની ગોલ પોસ્ટ સુરક્ષિત રાખી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ મેચનો એકમાત્ર ગોલ 51મી મિનિટે આવ્યો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલતા શાનદાર ગોલ કર્યો.

આ જીત સાથે ભારતે ગોલ્ડ મેડલ અને ચીને સિલ્વર મેડલ જીત્યો છે. ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું હતું. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું. આ પહેલા ટૂર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજ દરમિયાન ભારત અને ચીન આમને-સામને આવ્યા હતા, જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી આસાન વિજય નોંધાવ્યો હતો.

ભારતે ક્યારે ખિતાબ જીત્યો?
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.