October 5, 2024

ભાદરવી પૂનમના મહામેળાના છઠ્ઠા દિવસે ભક્તો પર કરાઇ પુષ્પવર્ષા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે. લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરીમા અંબા સમક્ષ શીશ નમાવ્યું છે. દૂર દૂરથી ચાલી આવતાં પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે. ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી.

મા અંબા ના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે , ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટયો હતો. શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપૂરથી અંબાજી રળિયામણું બન્યું હતું.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઇ ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પુષ્પ વર્ષાથી માઇ ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગન ભેગી જય નાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો.