September 18, 2024

આખરે પાલનપુર – અંબાજી પરનો થ્રિ લેગ એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાશે!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના RTO સર્કલ પર બની રહેલા થ્રિ લેગ એલિવેટેડ બ્રિજની કામગીરી છેલ્લા 3 વર્ષ બાદ પણ પૂર્ણ ન થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે છેલ્લા 3 વર્ષથી બની રહેલા આ બ્રિજને કારણે સ્થાનિકો સહીત અંબાજી જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ બ્રિજને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ બ્રિજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને આગામી સપ્ટેમ્બર મહિનામાં આ બ્રિજ ખુલ્લો મુકાઈ શકે છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર આરટીઓ સર્કલ નજીક રેલવે ફાટક આવેલું હતું. જોકે આ રેલવે ફાટકને કારણે આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા રહેતી. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા આ ફાટક બંધ કરી અંદાજિત 100 કરોડના ખર્ચે થ્રી લેગ એલીવેટેડ બ્રીજ મંજૂર કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલા આ થ્રિ લેગ એલિવેટેડ બ્રિજની કામગીરી શરૂ થઈ હતી. મહત્વની વાત છે કે આ ઓવરબ્રિજની કામગીરી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની હતી.પરંતુ આ બ્રિજની કામગીરી દરમિયાન બે વખત અલગ અલગ દુર્ઘટનાઓ ઘટી અને તેને કારણે આ બ્રિજની કામગીરીનો સમય લંબાઇ ગયો.

જોકે છેલ્લા ત્રણ વર્ષથી આ બ્રિજની કામગીરીને લઈ રેલવે ફાટક બંધ થઈ ગઈ અને તેને કારણે અંબાજીને જોડતો માર્ગ બંધ થતાં આબુરોડ થી અંબાજી, અમદાવાદ થી અંબાજી અને ડીસા થી અંબાજી જતા વાહન ચાલકો અટવાયા હતા.જોકે માર્ગ બંધ થઈ જતા વાહન ચાલકોને 12 km ફરીને અંબાજીના માર્ગ પર જવું પડતું અને તેને કારણે હાલાકીથી પીડાતા વાહન ચાલકો છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા હતા.મહત્વની વાત છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરીને કારણે અંબાજી જતા વાહનો પણ પાલનપુર શહેરમાંથી પસાર થતા પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની હતી.

ત્યારે હવે આ બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ક્યારે બ્રિજ શરૂ થશે એ પ્રશ્ન પાલનપુર ના સ્થાનિકો સહિત અંબાજી જતા વાહન ચાલકો નો પ્રાણ પ્રશ્નો બન્યો હતો. ત્યારે ન્યુઝ કેપિટલ દ્વારા આ બ્રિજની સ્થિતિને જાણવાનો પ્રયાસ કરતા આ બ્રિજની કામગીરી અંતિમ ચરણોમાં પહોંચી છે અને આગામી સપ્ટેમ્બર એટલે કે આવતા મહિનાથી આ બ્રિજ ખુલ્લો મુકાઈ શકે છે. મહત્વની વાત છે કે આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહાકુંભ આવી રહ્યો છે અને મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજીના માર્ગે જતા હોય છે. ત્યારે બ્રિજ બનાવનાર કંપની દ્વારા જણાવ્યા અનુસાર આગામી સપ્ટેમ્બરમાં બ્રિજ શરૂ થઈ જાય તો અંબાજી જતા હજારો યાત્રિકોને હાલાકીમાંથી મુક્તિ મળી શકે છે.