September 20, 2024

CM ભજનલાલ શર્માને મળી જાનથી મારી નાખવાની ધમકી, જેલમાં બંધ કેદીએ ફોન કરી આપી ધમકી

CM Bhajanlal Sharma Threat: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. જેલમાં કેદીએ ધમકીભર્યો ફોન કર્યો હતો. ધમકી બાદ પોલીસે જેલમાં તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. સીએમને બીજી વખત ધમકી મળી છે.

શનિવારે મધરાતે સીએમ ભજનલાલ શર્માને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આરોપીઓએ જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હતી. પોલીસે ફોન નંબર ટ્રેસ કર્યો તો તે દૌસા જેલનો કોલ હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ તપાસ એજન્સીઓ તપાસ માટે દૌસા જેલ પહોંચી અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન જેલમાંથી અડધો ડઝન મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેનાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

તપાસ એજન્સીઓએ જેલમાંથી મળેલા ફોન જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકી જેલના એક કેદીએ આપી હતી, જેનું નામ નેમો છે અને તે દાર્જિલિંગનો રહેવાસી છે. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, આ વર્ષે સીએમ ભજનલાલ શર્માને બીજી વખત ધમકી મળી છે. જાન્યુઆરીમાં પણ જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ એક કેદી દ્વારા ધમકીભર્યો ફોન આવ્યો હતો. પોલીસે કેદીને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. મુખ્યમંત્રીને ફરી જેલમાંથી ધમકી મળી છે.