September 20, 2024

કિન્નર બની લોકોનો લૂંટતો આરોપી ઝડપાયો, ચા પીવાના બહાને ઘરમાં ઘૂસતો

મિહિર સોની, અમદાવાદઃ કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની નારણપુરા પોલીસએ ધરપકડ કરી છે. આરોપી કોઇપણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઈ મહિલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યારબાદ તેમના ઘરમાં મેલીવિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઈ જતો હતો.

પોલીસે ધરપકડ કરેલો જીતુભાઈ પરમાર મૂળ રાજકોટના પડધરી ગામના તરઘડી ગામનો રહેવાસી છે. આરોપીની નારણપુરા પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી કિન્નરનો વેશ ધારણ કરતો હતો અને એવા મકાનો ટાર્ગેટ કરતો કે જ્યાં મહિલા એકલી હોય. એકલતાનો લાભ લઇને મહિલાને વિશ્વાસમાં લઈ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરતો હતો. બાદમાં ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને વિધિ કરવાના બહાને સોનાની વસ્તુ તેમજ રોકડ રકમ લઇને ફરાર થઈ જતો હતો.

આરોપી ગત 15મી માર્ચના દિવસે નારણપુરામાં આવેલા સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગયો હતો. જ્યાં એક મહિલાના ઘરે જતા તેને 50 રૂપિયા આપ્યા હતાં. પરંતુ તેણે ચા પીવાની ઇચ્છા દર્શાવતા મહિલાએ તેને ઘરમાં બેસાડ્યો હતો. બાદમાં આ ઘરમાં કોઇએ મેલીવિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો. જો કે, મહિલાએ મેલી વિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડા રૂપિયા લીધા હતા. આ બંને વસ્તુ એક કાપડમાં મૂકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો. બાદમાં ચાર રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહીને મહિલાને પાર્કિગમાં ઉભી રાખીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોલીસથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને વારંવાર મોબાઇલ નંબર પણ બદલી નાંખતો હતો. એટલું જ નહીં, તે માત્ર તેના પરિવારનો જ સંપર્ક રાખતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ સાબરમતી, લિંબાયત, મહારાષ્ટ્રના આંબાઝરીમાં પણ આ રીતે ઠગાઇના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે, કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.