September 20, 2024

Samsung Galaxy Z Fold 6: AI ફિચર્સ સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોન, સર્કલ કરો એટલે સર્ચ થશે

Galaxy Unpacked 2024: મોબાઈલની માર્કેટ દિવસે દિવસે એવી રીતે આગળ વધી રહી છે જાણે ડિજિટલના દરિયામાં કોઈ લક્ઝરી શીપ પોતાના મુકામ સુધી પહોંચવાની હોય. અદ્યતન સુવિધા અને ફીચર્સની રેસથી કંપનીઓના માર્કેટમાં ભલે કોઈ પણ સ્તરે હરીફાઈ હોય પણ ગ્રાહકોને જોરદાર લાભ થઈ રહ્યા છે. એમાં પણ હવે ઈએમઆઈની સુવિધાથી મળતા ફોનને કારણે સામાન્ય માણસ પણ પોતાના ગમતા ફીચર્સવાળો ફોન યુઝ કરી શકે એમ છે. તો ચાલો આજે એક એવા ફોનની વાત કરીએ જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. ફ્લેપ અને ફ્લિપ ફીચર્સની સાથે હવે સેમસંગે એઆઈ સાથે હાથ મિલાવીને એવું ફિચર આપી દીધુ છે જેના કારણે આવનારા સમયમાં મોબાઈલમાં ફર્સ્ટ ફીચર તરીકે કોઈ એઆઈ માગશે એ વાત હવે નક્કી છે.

બે ફોન લૉંચ કર્યા
સેમસંગે તેની અનપેક્ડ ઈવેન્ટમાં Galaxy Z Fold 6 અને Galaxy Z Flip 6 એમ બે ફોન લૉન્ચ કર્યા છે. કંપનીએ આ ઈવેન્ટનું આયોજન ફ્રાન્સના પેરિસ શહેરમાં કર્યું હતું. આ દરમિયાન કંપનીએ Galaxy Ring અને Watch Ultra પણ લોન્ચ કરી છે. Galaxy Z Fold 6 અને Galaxy Z Flip માર્કેટમાં આવતા અનેક એવા સ્માર્ટફોન સાથે સીધી સ્પર્ધા થવાની છે એ હવે પાક્કું છે. આ સાથે કંપનીએ એક સ્માર્ટ રીંગ પણ લૉંચ કરી દીધી છે. પેરિસની ધરતી પર સેમસંગે તેની અનપેક્ડ 2024 ઈવેન્ટમાં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. તેમાં Galaxy Z Fold 6 અને Galaxy Z Flip 6 પણ સામેલ છે.

ફંકી લૂક અને ફીચર્સની ભરમાર
Galaxy Z Fold 6 ની ડિઝાઇન જૂના ફોલ્ડની સરખામણીમાં ઘણી હદ સુધી બદલાઈ ગઈ છે. એવું ન કહી શકાય કે આખી ડિઝાઇન બદલાઈ ગઈ છે, પરંતુ આ વખતે ઘણું નવું છે. હવે તે વધુ ફંકી લાગે છે અને કવર ડિસ્પ્લે પહેલા કરતા વધુ બેસ્ટ અને ઉપયોગી છે. કારણ એ છે કે કવર ડિસ્પ્લેની સાઈઝ થોડી વધારી દેવામાં આવી છે. જેમાં લૂક ક્યાંક બગડે નહીં એનું તો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેમેરા મોડ્યુલ પહેલા જેવું જ છે, પરંતુ આ વખતે ડિટેલિંગ પર વધુ કામ કરવામાં આવ્યું છે. ફોનને પકડવામાં પહેલા કરતાં વધુ સારું લાગે એ પ્રમાણે આખી ફોલ્ડ ડિસપ્લે મૂકવામાં આવી છે. તેને ફોલ્ડ અને અનફોલ્ડ કરવું પણ સરળ છે. એક જ હાથ વડે ફોનને ફોલ્ડ કે અનફોલ્ડ કરી શકાય એ રીતે ફોનની ડિઝાઈન પસંદ કરવામાં આવી છે.

હાર્ડવેર સપોર્ટ અને સ્ક્રિન
ફોનમાં Qualcomm નું ફ્લેગશિપ પ્રોસેસર ઈન્સ્ટોલ છે જે Galaxy S24 Ultra જેવી કંપનીના અન્ય ફ્લેગશિપ્સમાં પણ આપવામાં આવ્યું છે. ફોનની સ્ક્રિન 7.6 ઇંચની છે અને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે તે મીની ટેબ જેવી લાગે છે.ખાસ વાત તો એ છે કે, જે રીતે દરેક મોબાઈલમાં બ્રાઈટનેસને સેટ કરી શકાય છે એમાં આમા લાઈટમોડને સેટ કરી શકાય છે. એટલે કે ઓટો ફિચર્સની જેમ દરેક ફિચર વ્યવસ્થિત કસ્ટમાઈઝડ થાય છે. ફોનનું વજન પણ વધારે નથી અને કંપનીએ દાવો કર્યો છે કે, આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન છે. સામાન્ય રીતે, ફોલ્ડેબલનો ઉપયોગ કરતી વખતે એવું લાગે છે કે, તમે એક સાથે બે ફોનનો એક સાથે એક્સેસ કરી રહ્યા છો. પરંતુ આ ફોનમાં એવું નથી. ફોન સ્લિમ હોવાને કારણે વધુ સારો છે.

ફોલ્ડનો ક્રેઝ યથાવત છે
એક્સપર્ટ તો ત્યાં સુધી કહે છે કે, સેમસંગ જેવી કંપની આનાથી પણ વધારે પાતળો ફોન તૈયાર કરી શકે એમ છે. આ માટે કોઈ ખાસ મટિરિયલની જરૂર પડે તો પણ એ ઉપયોગી સાબિત થશે. આ પાછળનું કારણ એ છે કે, આપણા દેશમાં એક વર્ગ એવો છે કે, જે પોતાની લાઈફસ્ટાઈલ અનુસાર ફોનનો ઉપયોગ કરવામાં માને છે. ખાસ કરીને યુવાનોમાં આનો એક ક્રેઝ પહેલા પણ હતો અને આજે પણ રહેવાનો છે. કારણ કે હવે બજારમાં પાતળા ફોલ્ડેબલ સ્માર્ટફોન આવવા લાગ્યા છે. જે પૈસાના આંકમાં મોટા અને વજનમાં હલકા હોય છે.

AI ફિચર્સથી અલગ પડે છે ફોન
ફોલ્ડેબલ્સની વિશેષતા હંમેશા ફ્રી ટુ યુઝ છે. આ માટે કોઈ ખાસ તકેદારી રાખવાની જરૂર રહેતી નથી.આ વખતે કંપનીએ AI સુવિધાઓ આપી છે. સ્માર્ટ સિલેક્ટ અને સ્કેચ ટુ ઈમેજ ફીચર્સ છે. જો સારી રીતે સ્કેચિંગ અથવા ડ્રોઇંગ જાણતા ન હોવ તો પણ કોઈ સમસ્યા નથી. તમે ઈચ્છા મુજબ સ્કેચ અથવા ડ્રોઈંગ બનાવી શકો છો આ પછી તેને જનરેટ કરવાનો વિકલ્પ મળશે. જે ડ્રોઈંગ અને સ્કેચને સુધારશે. આની પાછળ જે ફીચર કામ કરે છે એમાં પણ એઆઈ છે. ફોટોથી લઈને વીડિયો સુધી અને કસ્ટમાઈઝેશનથી લઈને એપ્લિકેશનની ક્લેરિટી સુધી દરેક ફીચર એટલા શાનદાર છે કે, ન પૂછો વાત. જાણવા જેવી અને મોટી વાત એ છે કે, કોલિંગ દરમિયાન લાઈવ ટ્રાંસલેશન સુવિધા પણ આપે છે.

ઈઝી ટ્રાંસલેશન ઓડિયો કોલ
આનો અર્થ થયો કે, કોઈ ફ્રાંસ જેવા શહેરમાંથી એની પ્રાદેશિક ભાષા બોલે છે જે સમજવામાં થોડી અઘરી પડે છે તો લાઈવ ટ્રાંસલેશન હિન્દી અથવા અંગ્રેજીમાં સરળતાથી અને સહેલાઈથી એ ટ્રાંસલેટ કરી આપે છે. એ પણ આપણે સમજાઈ એ ભાષામાં. ઓડિયો ટ્રાંસલેટ ફીચર ડાયરેક્ટ તમને એ જ ભાષામાં સામે વાળાની વાતનો ઓડિયો આપશે જે ભાષા તમે પંસદ કરી હશે. Galaxy Z Flip 6 વિશે વાત કરીએ તો તેને બ્લુ, યલો, સિલ્વર અને મિન્ટ કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ડ્યુઅલ રેલ હિન્જ છે. કંપનીનો દાવો છે કે આનાથી વધુ ટકાઉપણું મળશે. તેમાં ફ્લેક્સ વિન્ડો માટે સપોર્ટ છે. કવર ડિસ્પ્લેનું વોલપેપર જનરેટિવ AI દ્વારા જનરેટ કરી શકાય છે.

પ્રોફેશનલ કેમેરાની અવેજીમાં કામ કરી શકે
વૉલપેપર પર્સનલાઇઝેશન પર સારું કામ કરવામાં આવ્યું છે. આ વખતે, આ ફોનમાં 50 મેગાપિક્સલનો હાઇ રિઝોલ્યુશન કેમેરા છે અને તેમાં AI સંચાલિત પોટ્રેટ અને ઓટો ઝૂમ ફીચર પણ છે. ખાસ ફીચર જે ઇન્સ્ટા યુઝર્સને ખૂબ જ ગમશે તે છે તેનું ઇન્સ્ટાગ્રામ નાઇટ મોડ છે. આ સિવાય લાઇન વીડિયો માટે વેબકેમ ગ્રિપ પણ છે.જે થોડું નવું ફીચર છે. Galaxy Z Flip 6 ની બેટરી 4,000mAh છે અને તેમાં Qualcommનું ફ્લેગશિપ પ્રોસેસર પણ છે જે Fold અને Galaxy S24 Ultraમાં પણ જોવા મળે છે.

સ્ક્રિન સિક્યોરિટી
કંપનીએ ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પણ આપ્યો છે જે ડિસ્પ્લેને મજબૂત બનાવે છે. બંને ફોનમાં 7 વર્ષ સુધી સિક્યોરિટીની અપડેટ્સ મળશે. એકંદર ડિઝાઇન વિશે વાત કરીએ તો, Galaxy Z Flip 5 ની તુલનામાં વધુ ફેર નથી, દૂરથી મોટાભાગના લોકો નવા અને જૂના ફ્લિપ વચ્ચે તફાવત કરી શકશે નહીં. નોંટ આસિસ્ટ ફેસેલિટી પણ તદ્દન સરળ છે અને મફત છે. પીડીએફ ઓવરલે ફીચર પણ છે. વેબ બ્રાઉઝ કરતી વખતે, AI નો ઉપયોગ કરીને, આ ફોન તમારા માટે કોઈ પણ વેબપેજને ટ્રાંસલેટ કરવા સક્ષમ છે. સમરી પણ બનાવી આપશે.

આ પણ વાંચો: WhatsAppમાં ફરી આવશે નવું ફીચર, ખરી મજા તો હવે આવશે

સર્કલ કરો માહિતી મેળવો
એક સર્કલ ટુ સર્ચ ફીચર પણ છે, એટલે કે જો તમારે કોઈ પણ બાબતની માહિતી જોઈતી હોય તો તમારે તેના પર સર્કલ કરવું પડશે અને તમને તેના વિશે ગૂગલ સર્ચ દ્વારા જાણ કરવામાં આવશે. આ સિવાય QR કોડ ઓવરલે ફીચર પણ ઉપયોગી છે. એટલે ડાયરેક્ટ કોઈ પણ કોડને સરળતાથી સ્કેન કરીને એની વેબસાઈટ કે એપ્લિકેશન સુધી પહોંચી શકાશે. Galaxy Z Fold 6માં અનેક એવા ફીચર્સની ભરમાર છે. તેમાં એસ પેનને સપોર્ટ કરવામાં આવ્યો છે. જો કે, તમારે એસ પેન અલગથી ખરીદવી પડશે, કારણ કે તેમાં એસ પેન માટે કોઈ સ્લોટ નથી. મોબાઈલનું કવર પણ એસ પેન સાથે આવે છે, એટલે કે તમે મોબાઈલ પર કવર લગાવશો અને કવરમાં જ એસ પેન નાખી શકો છો.

રૂપિયામાં લોન્ચ
Galaxy Z Flip 6 ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,09,999 રૂપિયા છે. જ્યારે 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,21,999 રૂપિયા છે. Galaxy Z Fold 6 ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,64,999 રૂપિયા છે. જ્યારે 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,76,999 રૂપિયા છે. 1TB સ્ટોરેજ સાથેનું ટોપ વેરિઅન્ટ 2,00,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તારીખ 24 જુલાઈથી આ ફોન આપણા દેશમાં પ્રાપ્ય થશે. ઈવેન્ટ બાદ કંપનીએ થોડો સમય રાહ જોઈને કંપનીના જુદા જુદા મોડેલ માર્કેટમાં મૂકવાનું નક્કી કર્યું છે.