March 20, 2025

સુરતની સિંગણપોર પોલીસની મોટી કાર્યવાહી, મોટા પ્રમાણમાં MD ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ સિંગણપોર પોલીસે રૂપિયા સાત લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક કારચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારચાલક પાસેથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, ફોરવ્હિલ કાર સહિત 43 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન MD ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વેડ-વરિયાવ બ્રિજના છેડે પોલીસ વાહન ચેકિંગમાં હતી. જે દરમિયાન અહીંથી પસાર થતી શંકાસ્પદ કારને પોલીસે અટકાવી હતી. ત્યારે એક કારને ચેક કરતા તેમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. રૂપિયા 7 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે કારચાલક અલ્પેશ મિયાણીની સિંગણપોર પોલીસે ધરપકડ કરી હતી. અલ્પેશ મિયાણી ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું.

સિંગણપોર પોલીસે MD ડ્રગ્સ તેમજ કાર સહિત કુલ 43 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ આરોપી પાસેથી જપ્ત કર્યો હતો. પોલીસની વધુ પૂછપરછમાં આરોપી અલ્પેશ મિયાણી વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડિઝલની હેરાફેરી બાબતે ગુનો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. જે અલ્પેશ મીયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે તપાસમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા અન્ય માથાઓનાં નામ સામે આવે તેવી શક્યતા હાલ રહેલી છે.