UPI દ્વારા ટ્રાન્ઝેક્શન પર આપવામાં આવશે ઇન્સેન્ટિવ રકમ, કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી

Union Cabinet: Rashtriya Gokul Mission: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મંત્રીમંડળે આજે ઘણા મહત્વપૂર્ણ અને મોટા પ્રસ્તાવોને મંજૂરી આપી. ઓછી કિંમતના BHIM-UPI ટ્રાન્ઝેક્શન (P2M) ને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટે આજે રૂ. 1500 કરોડની ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી છે. નાના વેપારીઓની કેટેગરીના રૂ. 2000 સુધીના વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 0.15%ના દરે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ઓછા વેલ્યુના BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટેની ઇન્સેન્ટિવ યોજના 1 એપ્રિલ, 2024થી 31 માર્ચ, 2025 સુધી રૂ. 1,500 કરોડના અંદાજિત ખર્ચ સાથે લાગુ કરવામાં આવશે.

રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 3400 કરોડ રૂપિયા મંજૂર
મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 માટે 3400 કરોડ રૂપિયાની વધારાની ફાળવણી સાથે સુધારેલા રાષ્ટ્રીય ગોકુલ મિશનના અમલીકરણને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માહિતી આપતા કહ્યું, સરકારનું આ મિશન કૃત્રિમ ગર્ભાધાન (Artificial Insemination) અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા દૂધ ઉત્પાદનની ઉત્પાદકતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારના આ નિર્ણયથી દેશના તમામ પશુપાલકોને ફાયદો થશે અને તેમની આવકમાં પણ વધારો થશે.

4500 કરોડના રોકાણથી નેશનલ હાઈવે બનાવવામાં આવશે
આ સિવાય કેન્દ્રીય કેબિનેટે આજે રૂ.4,500 કરોડના રોકાણ પર મહારાષ્ટ્રમાં જેએનપીએ પોર્ટ (પાગોટે)ને ચોકથી જોડતા 29.21 કિલોમીટરના 6-લેન એક્સપ્રેસવે નેશનલ હાઈવેના નિર્માણને મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, હાઇવે પ્રોજેક્ટ કુલ રૂ. 4,500.62 કરોડના ખર્ચે બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર (BOT) પદ્ધતિ પર વિકસાવવામાં આવશે.

યુરિયાની ઉપલબ્ધિ માટે પણ મોટો નિર્ણય
મંત્રીમંડળે બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (BVFCL), નામરૂપ, આસામના હાલના પરિસરમાં એક નવો બ્રાઉનફિલ્ડ એમોનિયા-યુરિયા કોમ્પ્લેક્સ નામરૂપ IV ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપવાને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં યુરિયાની ઉપલબ્ધતામાં નોંધપાત્ર ફેરફાર લાવશે. આ પ્લાન્ટથી આસામ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને પણ ફાયદો થશે.