સુરતમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઉલટી સહિત તાવ-શરદીના કેસમાં વધારો; બે બાળકોનાં મોત

અમિત રુપાપરા, સુરતઃ ઉનાળાની ઋતુ શરૂ થતાંની સાથે જ સુરત શહેરમાં ઝાડા-ઉલટી, તાવ-શરદી સહિત ખાંસીની ફરીયાદ ઉઠવા પામી છે. વેડ રોડ અને પાંડેસરામાં ઝાડા-ઉલટી અને તાવમાં સપડાયેલી બે માસની બાળકી સહિત આઠ માસના બાળકનું મોત થયું છે. જેના પગલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા બાળ રોગની OPD બહાર પણ દર્દીઓની ભારે કતાર જોવા મળી રહી છે.

હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં તો સુરતમાં ઝાડા-ઉલટી સહિત તાવના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વેડ રોડના આઠ માસનું બાળક ઝાડા-ઉલટી, જ્યારે પાંડેસરાની બે માસની બાળકીનું તાવમાં મોત નીપજ્યું છે. જ્યાં બાળકોના મોતના પગલે પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સ્થાનિક વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલના બાળ રોગની ઓપીડી પણ દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહી છે. સવારથી અહીં સારવાર અર્થે દર્દીના પરિજનોની લાંબી કતાર જોવા મળી રહી છે. માસૂમ એકથી બે વર્ષ સુધીના બાળકો હાલ ઝાડા-ઉલટી સહિત તાવમાં સપડાઈ રહ્યા છે. જે બાળકોને લઈ પરિવારજનો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દોટ મૂકી રહ્યા છે.

આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોકટર સંગીતા ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું કે, ઉનાળામાં પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેથી પાણીમાં ચોખ્ખાઈ ખૂબ જ જરૂરી છે. બાળકોને રસ્તા પરનો ખુલ્લો ખોરાક પણ ખાવા દેવો ન જોઈએ.