March 19, 2025

સુનિતા વિલિયમ્સની ઘરવાપસી… કેવી રહી આકાશથી ધરતીની સફર, જુઓ Video

NASA: નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ ભારતીય સમય અનુસાર સવારે 3.30 કલાકે ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. 9 મહિનાથી વધુ સમય પછી પૃથ્વી પર પાછા ફરવાનું તેમનું ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કરે છે.

યુએસ સમય અનુસાર, ડ્રેગન સ્પેસક્રાફ્ટ સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે 1 વાગ્યા પછી કોઈક સમયે ઇન્ટરનેશનલ સેન્ટરથી અલગ થઈ અને પછી સવારે 5:57 વાગ્યે (ભારતીય સમય અનુસાર બુધવારે 3:27 વાગ્યે) ફ્લોરિડા કિનારે લેન્ડ થયું.

તમને જણાવી દઈએ કે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ-9ના વધુ બે અવકાશયાત્રીઓ નિક હેગ અને એલેક્ઝાંડર ગોર્બુનોવ છે. આ લોકોને સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાકનો સમય લાગ્યો હતો. ચારેય અવકાશયાત્રીઓ 18 માર્ચ મંગળવારના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી રવાના થયા હતા.

જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. આ દરમિયાન થોડા સમય માટે સંદેશાવ્યવહાર બંધ રહ્યો હતો. ડ્રેગન કેપ્સ્યુલ અલગ થયા પછી ફ્લોરિડા સમુદ્રમાં ઉતર્યા ત્યાં સુધી લગભગ 17 કલાક લાગ્યા. જ્યારે કેપ્સ્યુલ ફ્લોરિડાના દરિયાકિનારે ઉતરી ત્યારે અવકાશયાત્રીઓને જાણે ઘરે આવકારતી હોય એવી અનેક ડોલ્ફિન તેની આસપાસ જોવા મળી.

તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે સ્પેસક્રાફ્ટનો દરવાજો બંધ થઈ ગયો અને થોડા સમય પછી સ્પેસ સ્ટેશનથી સ્પેસક્રાફ્ટ અલગ થઈ ગયું. આ પછી બુધવારે બપોરે 2.41 કલાકે ડીઓર્બિટ બર્ન શરૂ થયું. એટલે કે અવકાશયાનનું એન્જીન ભ્રમણકક્ષામાંથી વિરુદ્ધ દિશામાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3.27 કલાકે તે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું.

ડ્રેગન અવકાશયાનના સફળ ઉતરાણ બાદ સુનીતા વિલિયમ્સ સહિત તમામ અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રેગનમાંથી બહાર આવતાની સાથે જ તમામ અવકાશયાત્રીઓએ કેમેરા તરફ જોયું અને હાથ હલાવીને ઘરે પરત ફરવાની ખુશી વ્યક્ત કરી. આ સાથે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફરવાની ખુશી પણ તેમના ચહેરા પર જોઈ શકાય છે.