September 19, 2024

લખપત તાલુકામાં તાવથી 12 લોકોના મોત, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

કચ્છ: લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 12 વ્યક્તિઓના મોત થયાના મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 12 લોકોના મોત થતા રાજકોટની PDU મેડિકલ કોલેજની ટીમ લખપત આવશે અને તપાસ હાથ ધરશે. સાથે જ ક્યા તાવના કારણે મોત થયા તે અંગે આરોગ્ય વિભાગ તપાસ શરુ કરી છે.

હાલમાં લખપતના અસરગ્રસ્ત દર્દીઓના આરોગ્ય વિભાગ દ્વારા બલ્ડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. 48 કલાક બાદ બ્લડ રિપોર્ટ આવશે ત્યારે મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. આ મામલે કચ્છના ઈમરજન્સી મેડિકલ ઓફિસર કેશવ કુમારએ વિગતો જાહેર કરી છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં આરોગ્યની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: છાપી હાઇવે પર બનેલ લૂંટના ગુનાનો ભેદ પાટણ LCBએ ઉકેલ્યો

તમને જણાવી દઈએ કે, લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 12 વ્યક્તિઓના મોત અને અન્ય લોકો તાવમાં પટકાયા હોવાની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે. જો કે, સ્થાનિકે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ અંગે અલગ-અલગ રિપોર્ટ અને કારણ હોવાની પ્રાથમિક વિગતો હોવાનું તંત્ર અંદરખાને કહે છે. બીજી તરફ લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારીનું કહેવું છે કે, મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે.

આજે લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘનો સંપર્ક કરતાં તેમણે તાવ ન્યુમોનિયા છે તે કન્ફર્મ કરવા મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે તેના રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના કારણ અને તારણ ઉપર નિશ્ચિતપણે આવી શકાશે.