October 5, 2024

આશ્રમમાં સાધુ બનીને સંતાયેલા ‘નટવરલાલ’ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો

અમદાવાદ: ગુજરાતમાં અવારનવાર લોકો સાથે છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. કોઈ પૈસા ડબલ થવાના નામે છેતરાય છે તો કોઈ સાયબર ક્રાઈમનો ભોગ બને છે. નોકરીવાચ્છુક યુવાનો નોકરીના નામે છેતરાય છે ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાને પાવર બ્રોકર તરીકે ઓળખ આપી લોકો સાથે ચિટીંગ કરનારા મહાઠગ નટવારલાલને ઝડપી પાડ્યો છે. આ નટવરલાલનું નામ નટવરલાલ ભરત છાબડા છે.

નટવરલાલ ભરત છાબડાને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. નટવરલાલ ભરત છાબડાની વાત કરીએ તો ભલભલાને ભૂ પીવડાવે તેવો એનો કોન્ફિડેન્સ હોય છે. તે લોકો સાથે વાતચીત કરે ત્યારે પોતાની જાતને પાવર બ્રોકર તરીકે ઓળખ આપતો હતો અને પ્રધાનમંત્રી કાર્યલય સુધી પોતાની ઓળખ હોવાનો દાવો કરતો હતો. BJP-RSSના મોટા નેતાઓ સાથે ઘરોબો હોવાનો પણ દાવો કરી લોકોને આ નટવરલાલ ફસાવતો હતો. દિલ્હીનું ગુજરાત ભવન એનો અડ્ડો અને ત્યાંથી લોકોને ઉલ્લુ બનાવવાનું શરુ થતું.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદીજુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ખોટી ઓળખ આપી, છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા આરોપીની હરીયાણા રાજયના કરનાલ ખાતેથી ઘરપકડ કરવામાં આવી છે. કરનાલ હરિયાણા તથા સદર બજાર લકડ માર્કેટ કરનાલ હરિયાણાની તપાસમા પોલીસ ઇન્સપેકટર વી.બી.આલ ટીમ સાથે હરીયાણા કરનાલમા હતા દરમ્યાન આરોપી ભરત છાબડા કરનાલ સેકટર-13 જુનુ રમેશનગર ખાતે આવેલ સલુનમાં આવવાનો હોવાની હકીકત મળતા કરનાલ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની પોલીસ મદદથી આરોપીને પકડી પાડી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની કચેરી લાવી તા 07/08/2024 ના રોજ અટકાયત કરવામા આવી છે.

મોડસ ઓપરેન્ડરી
પકડાયેલ આરોપી ભરત છાબડા મોટી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ખોટી ઓળખ આપી, મોટી સરકારી એજન્સીઓમાં પણ ઘણી ઓળખાણ હોવાનુ, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારમાં પણ ઘણા સારા એવા સંપર્કો હોવાનુ, કામો કરાવી આપવાનુ, તેમજ સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી તેનો ખોટો પ્રભાવ ઉભો કરી છેતરપીંડી કરવાની.

આરોપી વિરૂદ્ધના ગુના
(1) ડી.સી.બી પો.સ્ટેશન ગુ.ર.નં 11191011240164/2024 ઇ.પી.કો કલમ 170, 406, 420, 465, 467, 468, 471
(2) ડી.સી.બી પો.સ્ટેશન ગુ.ર.નં 11191011240176/2024 ઈ.પી.કો કલમ 170, 406, 420, 506(1)
(3) ડી.સી.બી પો.સ્ટેશન ગુ.ર.નં 11191011240177/૨૦૨૪ ઇ.પી.કો કલમ 170, 406, 420, 506(1)
(4) અડાલજ સ્ટેશન ગુ.ર.નં 11216001240523/2024 ઇ.પી.કો કલમ 170, 406, 420, 465, 467, 468, 471, 506

આ પણ વાંચો: લખપત તાલુકામાં તાવથી 12 લોકોના મોત, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

નટવરલાલ ભરત છાબડાના સંપર્કો હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલય સુધી વધાર્યા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી ચૂકી છે. અધિકારીઓ ઇચ્છે ત્યાં બદલીમાં કરાવતો હોવાની જાણકારી પણ સામે આવી છે. એક જાણકારી અનુસાર, ભરત છાબડા પાવર લોબીમાં જબરદસ્ત સેટિંગ કરવામાં સફળ રહ્યો છે. જોકે આ નટવરલાલ ની જાણકારી ઉપર સુધી જતા તપાસના આદેશ છુટ્યા હતા.

આરોપી પોલીસથી બચવા માટે કેટલાક સમયથી કરનાલ પાસે આવેલા એક આશ્રમમાં સાધુ બનીને રોકાયો હતો પરંતુ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નજરથી તે બચી શક્યો નહીં અને ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો છે. આ નટવર લાલ ગુજરાતમાં કેટલા લોકોને ઉલ્લુ બનાવ્યા છે એની માહિતી એકઠી કરાઈ રહી છે.