December 11, 2024

‘તિરુમાલા પ્રસાદમાં જાનવરોની ચરબી’, CM ચંદ્રબાબુ નાયડુના આરોપોથી રાજકારણમાં ગરમાવો

Andhra Pradesh Political Turmoil: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. આ આરોપ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો કે જગનમોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન તિરુમાલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ઉપલબ્ધ તિરુમાલા લાડુ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે તિરુમાલા મંદિર હિન્દુ સમુદાયના લોકો માટે પવિત્ર પૂજા સ્થાનોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ઘણા સમયથી તિરુમાલામાં આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તાને લઈને ફરિયાદો આવી છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, ‘જગન સરકારે તિરુમાલાના દરેક પાસાને નષ્ટ કરવાનું કામ કર્યું. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે તિરુમાલા લાડુ તૈયાર કરવા માટે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે ઉત્પાદનની ગુણવત્તા સંપૂર્ણપણે બગડી ગઈ હતી. અમે સત્તામાં આવતાની સાથે જ લાડુ માટે શુદ્ધ ઘીનો ઉપયોગ તાત્કાલિક અસરથી લાગુ કર્યો.

લાડુ બનાવવામાં ચરબીનો ઉપયોગ થતો હોવાના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આક્ષેપ બાદ તીર્થયાત્રી સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મામલો ખૂબ ગંભીર બની શકે છે. સાથે જ આ મામલે તપાસની માંગ પણ ઉઠવા લાગી છે. આ દાવા પછી હિન્દુ મતદારોમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસની છબીને પણ ભારે નુકસાન થઈ શકે છે.

કયું ઘી વપરાય છે?
આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે તિરુમાલા પ્રસાદમ માટે શુદ્ધ નંદિની કંપનીના ઘીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. અહેવાલો અનુસાર, અગાઉની રાજ્ય સરકારે આ ઘીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શુદ્ધ નંદિની કંપનીના ઘીનો ઉપયોગ કર્યા બાદ પ્રસાદમની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.