ખંભાળિયામાં 16 વર્ષીય તરૂણની હત્યાની આશંકા, પિતાએ દીકરાના મિત્ર સામે નોંધાવી ફરિયાદ

મનોજ સોની, દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગતરાત્રે તેનો મૃતદેહ ગટરના સંપમાંથી મળી આવ્યો હતો. ત્યારે આ તરુણની હત્યા નિપજાવી અને તેના સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ તરુણના પિતા દ્વારા તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહીં કેતનના ગળાના ભાગે તેમજ કાનના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આટલું જ નહીં, કાયમી રીતે ગળાના પહેરતો સોનાનો ચેન પણ કેતનના ગળામાં ન હતો.
ગુરુવારે કેતનના મૃતદેહનું જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગળા પરની ઈજા તેના મોતનું કારણ હોવાનું જાહેર થયું હતું. આટલું જ નહીં, રૂપિયા 96,000 જેટલી કિંમતનો એક તોલાનો સોનાનો ચેન પણ ગાયબ હોવાથી મૃતકના પિતા અનિલભાઈ વાઘેલાએ હર્ષ દામજીભાઈ નાઘેરા સામે પુત્રનું ખૂન કરી, લૂંટ ચલાવી અને લાશ ગટરના સંપમાં ફેંકી દીધી હોવાનું વિધિવત રીતે પોલીસમાં જાહેર કર્યું છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે આરોપી હર્ષ દામજીભાઈ નાઘેરા સામે ભારતીય ન્યાય સહિતા સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ પી.આઈ. સી.એલ. દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.