બેંગલુરુમાં ભારે વરસાદે મચાવી તબાહી, 30થી વધુ વૃક્ષો ધરાશાયી; 3 વર્ષની બાળકીનું મોત

Karnataka: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન એક ત્રણ વર્ષની બાળકી પર ઝાડ પડતાં તેનું મોત થયું. કર્ણાટકના નાગરિક સંરક્ષણ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં લગભગ 30 વૃક્ષો પડી ગયા છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાના અહેવાલ છે.
શનિવારે સાંજે વરસાદથી બેંગલુરુમાં લોકોને ગરમીથી રાહત મળી. પરંતુ શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા અને ટ્રાફિક જામ પણ થયો. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુ શહેરમાં સવારે 8.30 થી રાત્રે 8.30 વાગ્યાની વચ્ચે ગાજવીજ સાથે 3.6 મીમી વરસાદ નોંધાયો હતો.
કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટનાઓ
ભારે પવન સાથે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો નોંધાયા છે. આનાથી શહેરના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો, જ્યારે બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના હોસાકોટ જેવા સ્થળોએ કરા પડ્યાના અહેવાલો પણ મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુલકેશીનગરમાં એક ઝાડ પડવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું.
આ પણ વાંચો: IPL 2025: CSK vs MI મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ક્યાં જોશો લાઈવ
વરસાદને કારણે ઓછામાં ઓછી 19 ફ્લાઇટ્સને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી. આમાંથી 11 ઈન્ડિગો ફ્લાઇટ્સ, ચાર એર ઇન્ડિયા એક્સપ્રેસ, બે અકાસા અને બે એર ઇન્ડિયા ફ્લાઇટ્સ હતી. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક પોલીસે જરૂરી રૂટમાં ફેરફાર માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ભારે પાણી ભરાવાના કારણે હંસામરનહલ્લીમાં ટ્રાફિકને સૌથી વધુ અસર થઈ હતી.