March 20, 2025

રાજ્યસભામાં અમિત શાહ ગર્જ્યા: ‘ચૂંટણી જીત્યો છું, કોઈની મહેરબાનીથી સંસદમાં નથી આવ્યો’

Amit Shah in Rajya Sabha: આજે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો. ગૃહ મંત્રાલય પર ચર્ચા દરમિયાન સાકેત ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય પર ચર્ચા થઈ રહી છે પરંતુ સાકેત ગોખલે ED અને CBI પર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં જો તેઓ આ મુદ્દો ઉઠાવવા માંગતા હોય તો મને પણ એક તક આપવી જોઈએ, હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ.

આ પછી, સાકેત ગોખલેએ કહ્યું કે માનનીય મંત્રી બોલતા પહેલા જ ડરી ગયા. આ અંગે અમિત શાહે કહ્યું કે હું કોઈથી ડરતો નથી. કારણ કે હું અહીં કોઈની મહેરબાની પર ભરોસો રાખીને આવ્યો નથી, ચૂંટણી જીતીને અહીં આવ્યો છું. હું અહીં કોઈ વિચારધારાનો વિરોધ કરવા આવ્યો નથી. શાહનો આ ટોણો સાકેત ગોખલે પર છે. તેઓ TMCની ટિકિટ પર રાજ્યસભા પહોંચ્યા છે. અમિત શાહે કહ્યું કે, સાકેત ગોખલે આ સદનને ખોટી માહિતી આપી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ બાદ બંગાળમાં ચૂંટણી હિંસા અંગેના કેસ નોંધાયા છે, જ્યાં અમારી બેઠકો વધુ મળી ત્યાં અમારા કાર્યકરોને મારી નાખ્યાં ગયા. ફરિયાદીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે તમામ કેસ ફરીથી નોંધવાનો આદેશ આપ્યો. આ એજ કેસ છે. શાહે કહ્યું, તેઓ (ટીએમસી) સુપ્રીમ કોર્ટનું સન્માન કરતા નથી, તેઓ હાઈકોર્ટનું પણ સન્માન કરતા નથી. આ અંગે ટીએમસી સાંસદ સુષ્મિતા દેવે કહ્યું કે, આ લોકો ખૂબ બકવાસ કરે છે પણ અમે કંઈ બોલતા નથી.