September 20, 2024

બનાસકાંઠામાં NDRFની ટીમ ઉતારી, ભારે વરસાદની આગાહી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ રાજ્યભરમાં થઈ રહેલા મેઘતાંડવ વચ્ચે ચારેબાજુ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી હોવાથી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તૈનાત રાખી છે. બનાસકાંઠામાં આવેલી એનડીઆરએફની ટીમે ડીસાની બનાસનદીના કાંઠાના ગામોના લોકોને પૂરની પરિસ્થિતિમાં પહોંચી વળવા તેમજ બચાવની કામગીરી કરવા જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી હતી.

 

રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા અનેક જિલ્લાઓમાં નદીનાળાઓ છલકાઈ જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે, બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં પણ સાવ નહિવત્ વરસાદ થયો છે. આગામી બે દિવસમાં બનાસકાંઠાના ઉપરના ભાગે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હોવાથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વધવાની શક્યતા છે. હાલમાં બંને ડેમ 25%થી પણ ઓછા પાણીથી ભરેલા છે. જો કે, તેમ છતાં રાજસ્થાનમાં વધુ વરસાદ થાય તો બંને ડેમમાં પાણી વધી શકે.

દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉભી થાય તો કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા એનડીઆરએફની ટીમે બનાસ નદી કાંઠે આવેલા રાણપુર ઉગમણાવાસ, રાણપુર વચલા વાસ, વાસડા, મોરથલ ગોળીયા ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને પૂરની પરિસ્થિતિમાં બચાવવાની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ અને તાલીમ આપી હતી.