‘હિટ એન્ડ રન’ના આરોપીને છોડાવતો સાંસદનો વીડિયો વાયરલ
વડોદરાઃ શહેરમાં હિટ એન્ડ રનના આરોપીને છોડાવવા માટે સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ફિઝિયોથેરાપીના બે વિદ્યાર્થીઓને કારચાલકે ટક્કર મારી હતી. કારચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે રાહદારીઓએ 4 કિલોમીટર પીછો કરી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપ્યો હતો.
ત્યારબાદ કારચાલક આરોપી કુશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ કર્યાના પોણા બે કલાકમાં જ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કારચાલકને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે પણ કુશ પટેલને જામીન પર મુક્ત કર્યો હતો. આ મામલે સમાધાન કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રંજનબેન આરોપી કુશ પટેલને છોડાવવા માટે ગયા હતા અને ત્યાંથી લઈને બહાર લઈ જઈ રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.