March 19, 2025

‘દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કોઈ બેદરકારી સહન કરવામાં નહી આવે’

Amit Shah Meeting: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની બેદરકારીને સાંખી લેવામાં આવશે નહીં. સૂત્રોએ જણાવ્યું કે આ સમીક્ષા બેઠકમાં અમિત શાહે કહ્યું કે ગુનાખોરી સામે સરકારની નીતિ ઝીરો ટોલરન્સ રહી છે, તેથી દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી.

સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દરેક દિલ્હીવાસી સુરક્ષિત અનુભવે તે સુનિશ્ચિત કરવાની દરેક દિલ્હી પોલીસકર્મીની વ્યક્તિગત જવાબદારી છે. દિલ્હી પોલીસે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેને જોઈને દિલ્હીના લોકોમાં સુરક્ષાની ભાવના અને ગુનેગારોમાં ડર પેદા થાય.

શાહે કહ્યું કે પોલીસે નાગરિક સંરક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશેષ એક્શન પ્લાન સાથે ઓપરેશન કરવું જોઈએ અને બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. સમીક્ષા બેઠકમાં ગુના પ્રત્યે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ભાર મૂકતા ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસ દળે ગુનેગારોમાં ડર જગાડવા માટે કામ કરવું જોઈએ.દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખામી સહન કરવામાં આવશે નહીં.