September 20, 2024

પુલના અભાવે સોનપરાના 70 પરિવારોનું જીવન બન્યું યાતનામય

ધર્મેશ જેઠવા, ઉના: એક તરફ સરકાર દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાતો કરી રહી છે. જ્યારે, બીજી બાજુ દેશના ગામડાઓની સ્થિતિ કલ્પના બહારની ખરાબ છે. આવી જ સ્થિતિ છે ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામની. સોનપરા ગામે નદી પર પુલના અભાવે સામે કાંઠે વસતા 70 ખેડૂત પરિવારો યાતના ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. તો શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ ચોમાસાના સમયમાં નદીમાં પાણી આવતા અભ્યાસથી વંચિત થઈ રહ્યા છે.

ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામના છેડે પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલના હોવાના કારણે આ નદીના સામા કિનારે વસવાટ કરતા 70થી વધુ પરિવારો ગામમાં આવવા જવા માટે નદીના કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે. આ પરિવારના 30 થી વધુ બાળકો શાળામા અભ્યાસ માટે ગામમાં જાય છે. ત્યારે નાના નાના બાળકોને વાલીઓ ખંભે ઉંચકીને આ નદી માંથી પસાર થાય છે. પીછવી ગામે આવે આવેલ ભંગેશ્વર તળાવ ઓવરફલો થતાં આ ચંદ્રાભાગા નદીમાં પાણીનો પ્રવાહ આવે છે. જો વરસાદ વધુ હોય તો નદીમાંથી પસાર થઈ શકાતું નથી. જેથી એક કાંઠેથી બીજા કાંઠે લોકો જઈ શકતા નથી. ઘણીવાર 4 થી 5 દિવસ ખેડૂતોએ ફસાયેલા રહેવું પડે છે અને વિધાર્થીઓએ શાળાના અભ્યાસથી વંચિત રહેવું પડે છે.

ગામના કેટલાંક ખેડુતો પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. જેથી પશુઓ વાડીમાં રાખતાં હોય છે. આવા ખેડૂતો આ ચંદ્રભાગા નદીમાંથી પસાર થવું પડે છે. જો નદીમાં પ્રવાહ વધુ હોય અને દૂધ ગામમાં ડેરી સુધી ન પહોંચે તો ખેડુતોને આર્થિક નુકસાની પણ વેઠવી પડે છે. નદીના સામે કાંઠે વસતા પરિવારમાં કોઈ બીમાર પડે કે સગર્ભા સ્ત્રીઓ પ્રસુતિની પીડા ઉપડે તો અહી સુધી એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી.

દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થી વધુ સમય થઈ ગયો છતાં આ ખેડૂતોને આજ દિન સુધી યાતનામાંથી આઝાદી મળી નથી..! આ વિસ્તારના ખેડૂતોએ અવાર નવાર અહી પુલ બનાવવાની માંગણી કરી છે ,પણ કોઈ અધિકારી કે પ્રજાના પ્રતિનિધિ ખેડૂતોની વેદના ધ્યાને નથી આવતી.નસીબનો દોષ માની આ વિસ્તારના ખેડૂતો ચોમાસાના 4 મહીના આવી રીતે જ જિંદગી જીવે છે. આ નદી ઉપર પુલ કમ ડેમ ( કોઝવે ) બનાવવામાં આવે તો પાણીનો પણ વિશાળ જથ્થો રોકી શકાશે અને લોકોને પણ કાયમી રાહત થશે.