March 21, 2025

જેતપુરના પેઢલા ગામે ધાર વિસ્તારમાં ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા, સ્થાનિકો પાણી વેચાતુ લાવવા મજબૂર

ધ્રુવ મારુ, જેતપુરઃ ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામના ધાર વિસ્તારમાં પીવાના પાણી સમસ્યાની ફરિયાદ ઉઠી છે. આ સાથે જ સ્થાનિકો બહારથી વેચાતી પાણીની ટાંકીઓ મગાવવા સાથે પશુઓનાં અવેડા ઉપરાંત દૂર દૂર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર બન્યા છે.

જેતપુર તાલુકાના પેઢલા ગામના ધાર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરતા સ્થાનિકોને આજદિન સુધી પીવાનું પાણી મળ્યું નથી. આ સાથે જ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગ્રામપંચાયતમાં આવતા તમામ પ્રકારના વેરાઓ પણ ભરવા ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ દ્વારા નળ કનેક્શન આપવાના નાણાં પણ બે વર્ષ પહેલાં જ ગ્રામપંચાયતમાં ભરી દીધાં હોવા છતાં નળ કનેક્શન આપવામાં આવ્યા નથી. આ સાથે જ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઇન પણ નાંખી દેવામાં આવી છે. પરંતુ નળ કનેક્શનના જોડાણ કેમ આપવામાં નથી આવ્યા, તે એક સવાલ છે. ત્યારે સરકાર નલ સે જલ યોજનાની વાતો કરે છે, પરંતુ પરિસ્થિતિ જોતા આ યોજના માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

પેઢલા ગામના ધાર વિસ્તારમાં પાણી ન આવતું હોવાથી સ્થાનિકો હાલ તો ઉનાળામાં બહારથી પાણી ટાંકીઓ વેચાતી મંગાવે છે. આ સાથે મહિલાઓને એક બેડું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. તેમજ મહિલાઓ પશુઓના અવેડામાંથી ઘર વપરાશના ઉપયોગ માટે પાણી ભરવા મજબુર છે. આ સાથે સ્થાનિકો દ્વારા ગ્રામપંચાયત સાથે તાલુકા પંચાયત કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. ત્યારે આ વિસ્તારના લોકો પાણી માટે આજીજી કરી રહ્યા છે કે અમને પીવાનું પાણી આપો.

પેઢલાના ધાર વિસ્તારના લોકો પશુઓના અવેડા ઉપરાંત ખેતરોમાં કે અન્ય જગ્યા સહિત વેચાતું બહારથી પાણી લેવા હાલ તો મજબૂર છે. આ સાથે અમુક સમયે તો રાત્રે પણ પાણી ભરવા માટે જવું પડે છે. ટાંકો બની જશે પછી પાણી મળી જશે તેવા જવાબ સ્થાનિકોને મળતા હતા. ટાંકો બની ગયો પરંતુ સ્થાનિકોને પાણીના નળ કનેક્શનના જોડાણ પણ ન મળ્યા અને પીવાનું પાણી પણ ન મળ્યું. તેમજ અનેક વખત રજૂઆત કરતા સ્થાનિકોને માત્ર ગ્રામ પંચાયત દ્વારા આશ્વાસનો આપવામાં આવ્યા છે. ત્યારે રહેવાસીઓને પીવાનું પાણી તાત્કાલિક મળે તેવી માગ કરી રહ્યા છે.

ધાર વિસ્તારમાં રહેતા લોકો આજે છેલ્લા ઘણા વરસથી પાણી માટે તરસ્યાં બન્યાં છે. ત્યારે સવારે બાળકોને સ્કૂલે મૂકવા જવાના હોવાથી મહિલાઓ પાણી ભરે કે બાળકોનું કરે. પાણી ભરવા બાળકોને સાથે લઈ જાય ત્યાં નવડાવીને બાળકને તૈયાર કરી સ્કૂલે મોકલે છે. વપરાશનું પાણી પશુઓના અવેડામાંથી ભરવું પડે છે. પીવા માટે તો મહિલાઓને દૂર દૂર ખેતરમાં એક બેડું ભરવા માટે જવું પડે છે. ત્યારે તાત્કાલિક પાણી ગ્રામ પંચાયત પૂરું પાડે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

પેઢલા ગામના ધાર વિસ્તારમાં આકરા ઉનાળામાં જ પીવાનું પાણી ન મળતું હોવાથી અને નળ કનેક્શનના જોડાણ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમના કહેવા મુજબ સ્થાનિકોની રજૂઆત મળી છે. ગ્રાન્ટ પણ આવી ગઈ છે અને વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ સાથે સરપંચને નોટિસ આપીને ટૂંક સમયમાં પાણી મળે તેવા પ્રયત્નો તાત્કાલિક ધોરણે કરશે તેવી વાતો કરી રહ્યા છે.

સરકારની નર્મદા યોજના હોય કે નલ સે જલ યોજના હોય, સરકાર માત્ર મોટી મોટી વાતો કરે છે. પરંતુ સરકારે આવી મોટી મોટી વાતો કરવાના બદલે લોકોને પાણી આપવાની વાતો કરે તે જરૂરી છે.