દાહોદમાં અગાઉ સ્વંયવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો જેસાવાડા ખાતે યોજાયો

નીલુ ડોડીયાર, દાહોદ: દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આવતો આદિવાસી લોકોનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે બજારના ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી ચાલતા જઈને હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવાં વાદ્યો વગાડતાં અને આનંદથી ચિચિયારીઓ કરતાં નાચતાં-ગાતાં આવે છે.
ગોળ ગધેડાની વાત કરીએ તો, જ્યાં આ મેળો યોજવાનો હોય ત્યાં સીમ કે ચોકની વચ્ચોવચ મેળા અગાઉના દિવસોમાં સીમળાના લાકડાનો થાંભલો રોપવામાં આવે છે. જેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળ બાંધવામાં આવે છે. હાથમાં વાંસની લીલી સોટીઓ લઈને ગોળની રખેવાળી કરતી ગામેગામની યુવતીઓ થાંભલા ફરતે ગોળ ગોળ ફરતી હોય છે. જે યુવાન આ માર ખાઈને પણ જો થાંભલા ઉપર ચઢીને પહેલો જે ગોળ ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની પહેલાના સમયમાં પ્રથા હતી. પરંતુ હવે સ્વયંવરની પ્રથાને આ મેળામાંથી બાદ કરી દેવામાં આવી છે, હવે આ મેળો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે ઉજવવામાં આવે છે. હવે આ મેળામાં જે યુવાન થાંભલા પરથી ગોળની પોટલી ઉતારે તેને પંચ દ્વારા નક્કી કરવામાં આવે તે ઇનામ આપવામાં આવે છે.
આ મેળાના મેદાનની મધ્યમાં 20થી 25 ફૂટ ઊંચા લાકડાનો સમક્ષિતિજ લાંબો થાંભલો ઉભો કરવામાં આવે છે, જેના ઉપર કાણાં પાડી માણસ ઉભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે. થાંભલાની ટોચ પર ગોળની એક પોટલી લટકાવવામાં છે. આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી ઉભેલા યુવાનો થાંભલા પર ચડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે થાંભલા પર ચડનાર યુવાનોને યુવતીઓ વાંસની સોટીઓ વડે માર મારે છે છતાં પણ સોટીઓનો માર ખાઈને પણ યુવાનો થાંભલા ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. જેમાં જે યુવાન છેલ્લે ટોચ ઉપર બાંધેલી ગોળની પોટલી સુધી પહોંચે છે. તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારેબાજુ વેરે છે. કહેવાય છે કે, પોટલીનો ગોળ લેવા માટે યુવાનોએ ગધેડા જેવો માર ખાવો પડે છે એટલે “ગધેડાનો મેળો ” કહેવાય છે.
દાહોદ એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીં ખુબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે. જેમાં હોળી એક એવો તહેવાર છે, જે સમયે હોળી પહેલા અને હોળી પછી દાહોદ જિલ્લામાં એકીસાથે તેમજ સમયાન્તરે અનેકો મેળાઓ યોજવામાં આવે છે. આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી લોકો આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી ગીતો ગાતા અને આદિવાસી નૃત્ય કરતા જઈને મેળાનો આનંદ માણવા દુર-સુદૂરથી આવ્યા હતા. જ્યાં નજર માંડો ત્યાં બસ જાણે માનવ મહેરામણ જ નજરે જોવા મળે એવો આ દાહોદ જિલ્લાનો આદિવાસીઓ માટેનો ખાસ એવો ગોળ ગધેડાનો મેળો.