November 23, 2024

મોરબીમાં નશીલી સીરપની રેલમછેલ, પોલીસે 1 કરોડનો માલ કર્યો જપ્ત

ડેનિશ દવે, મોરબી: મોરબી એલસીબી ટીમે બહારના રાજ્યમાંથી ચોખાની ભરેલ બોરીની આડમાં નશીલી કોડીન કફ સીરપ મંગાવવામાં આવ્યો. તેને સેનેટરીના બોક્સમાં પેક કરી અન્ય રાજ્યમાં મોકલવાના સમગ્ર ગેરકાયદેસરના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા મોરબીના રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી નશીલી કોડીન કફ સીરપનો 100 એમએલ.ની કુલ 90 હજાર બોટલ હતી. જેમાં 900 લીટર નશાયુક્ત પ્રવાહી હતું. જેની કુલ કિંમત રૂ. 1. 84 લાખથી વધુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

આ દરોડા સમયે ટ્રકમાંથી ચોખાની બોરી સાથે કોડીન કફ સીરપનો જથ્થો ઉતારવાની કામગીરી ચાલુ હોય. જેથી પોલીસે આરોપી ગોડાઉન સંચાલક, ટ્રક ચાલક તથા ટ્રકના ક્લીનરની સ્થળ ઉપરથી અટકાયત કરી કોડીન કફ સીરપનો જથ્થો, ખાદ્ય પદાર્થ ચોખાનો જથ્થો, ટ્રક, ત્રણ મોબાઇલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર તથા ઝારખંડથી માલ મોકલનાર બે શખ્સો સહીત કુલ ત્રણ આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળતા તે આરોપીઓને ફરાર દર્શાવી કુલ 6 આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર (વિરાટનગર) ગામની સીમમાં સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઈલ નામના ગોડાઉનમાં મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા ત્રિપુરાથી ચોખાની ભરેલ બોરીની આડમાં નશીલી કોડીન કફ સીરપનો જથ્થો મંગાવી તેને અન્ય અલગ અલગ રાજ્યોમાં વેચાણ કરે તે પહેલા મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી નશીલી કોડીન કફ સીરપનો કુલ 451 પેટી જેમાં 100 mlની 90,000 બોટલમાં કુલ 900 લીટર નશાયુક્ત પ્રવાહી ભરેલ જથ્થો જેની કુલ કિ. 1,84,93,200/- ઝડપી લેવામાં આવ્યો હતો.

આ સાથે ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા (ઉવ.29 રહે. રવાપર રોડ રામકો બંગ્લો પાછળ વૃંદાવન પેલેસ બ્લોક નં-૩૦૧ મોરબી મુળ રહે. મોટી મોણપરી તા.વીસાવદર જી.જુનાગઢ)તથા ટ્રક રજી.નં.-TS-06-UB-7789નો ચાલક- સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ (ઉવ.37 રહે.સારોલા તા.જી. ઉસ્માનાબાદ ,મહારાષ્ટ્ર) તથા ટ્રકનો કલીનર મહમદ અબ્દુલ કરીમ (ઉવ.35 રહે.બોરાભંડ્ડા સાઇડ-3 તા.ખેરતાબાદ જી.હૈદરાબાદ,તેલંગણા)ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી.

બીજી બાજુ એલસીબીના દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં મોરબીના રંગપર(વિરાટનગર) ગોડાઉન ભાડે રાખી નશાયુક્ત કોડીન સીરપનો માલ મંગાવનાર રવીકુમાર પટેલ તથા માલ મોકલનાર સાજેદા ટાઇલ્સવાળા મસુદ આલમ રહે. ત્રિપુરા તથા અન્ય એક શખ્સ પાસેથી માલ મંગાવતા તેઓ ટ્રકમાં ચોખાની ભરેલ બોરીની આડમાં માલ મોકલાવતા જે કોડીન કફ સીરપ અહીં ભાડેના ગોડાઉનમાં ઉતારી તેને કિચેન સિન્કના બોક્સમાં પેક કરી અન્ય રાજ્યોમાં મોકલાવી તેનું વેચાણ કરતા જે મુજબની કબૂલાત આપી હતી.

આથી ક્રાઇમ બ્રાંચ પોલીસે 900 લીટર નશીલી કોડીન કફ સીરપનો જથ્થો કિ.1.84 કરોડ, ટ્રક કિ.રૂ. 15 લાખ, ત્રણ મોબાઇલ કિ.રૂ. 15 હજાર, રોકડા રૂ.7 હજાર સહીત 2.04 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ ત્રણ આરોપી તથા હાજર નહિ મળી આવેલ ત્રણ આરોપી સહીત કુલ છ આરોપી તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.