November 23, 2024

વસ્ત્રાપુર: જૂથ અથડામણ અને હત્યા કેસમાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: વસ્ત્રાપુરમાં મંદિરના પાટોત્સવના પ્રસંગની પત્રિકામાં નામ નહીં લખવા બાબતે જૂથ અથડામણ અને હત્યા કેસમાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ છે. આ સમગ્ર ઘટનાના વિડિઓ સામે આવ્યા છે. PI જી. કે. ભરવાડની ઘર્ષણમાં મુખ્ય ભૂમિકાના આક્ષેપ થયા છે. આ અથડામણમાં વૃદ્ધ મહિલાની હત્યા અને 7 લોકો ઇજાગ્રસ્ત થતાં પોલીસે હત્યા, હત્યા પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ આરોપીઓ હરી ભરવાડ, ભીમા ભરવાડ,લાલા ભરવાડ, અને જીલુ ભરવાડ પોલીસ કસ્ટડીમાં છે. આ આરોપીઓની હત્યા અને રાયોટિંગ કેસમાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, વસ્ત્રાપુર ગામમાં આવેલા ભરવાડ વાસમાં આવેલા રાધા કૃષ્ણ ભગવાનના મંદિરના પાટોત્સવના પ્રસંગની મહોત્સવની પત્રિકામાં ગાંધીનગરના PI જી કે ભરવાડે પોતાનું નામ લખવા માટે તકરાર કરી હતી અને ત્યાર બાદ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાના લાઈવ વિડિઓ સામે આવ્યા છે. જેમાં ટોળા એકબીજા પર પથ્થરમારો અને એક પક્ષ લાકડીઓથી હુમલો કરતા નજરે પડે છે. આ ઘટનામાં PI જી કે ભરવાડની મુખ્ય ભૂમિકા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. PI એક વાહન લઈને ઘટના સ્થળે આવ્યા હોવાના CCTV પણ સામે આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે બંન્ને પક્ષના 15 આરોપીઓ અને ટોળા વિરુદ્ધ ગુનો નોંધીને હત્યા અને રાયોટિંગ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે.

હત્યા અને રાયોટિંગ કેસની તપાસમાં PI જી કે ભરવાડની ભૂમિકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસમાં જમીન અને મંદિરની પત્રિકાને મુદા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં મંદિરની નજીક આવેલા જમીનનો પ્લોટ PI જી કે ભરવાડ ને ખરીદવો હતો, પરંતુ જમીનના માલિકે અન્ય વ્યક્તિને વેચાણ કરતા તેનો પણ વિવાદ ચાલતો હતો.જ્યારે મંદિરના પાટોત્સવના પ્રસંગની ઉજવણીમાં પત્રિકામાં નામ લખવાની તકરાર પણ સામે આવી હતી. આ બંન્ને વિવાદો વચ્ચે જૂથ અથડામણ ક્ષણિક ઉશ્કેરાટ જ કારણભૂત છે કે પૂર્વ આયોજિત કાવતરું છે. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે આરોપીઓની ઉલટ તપાસ શરૂ કરી છે.

આ અથડામણની ઘટના બાદ PI જી કે ભરવાડ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.વસ્ત્રાપુર પોલીસે PIની પણ શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત વિડિઓમાં પથ્થરમારો કરતા જોવા મળતા લોકોની ઓળખ કરીને તેમની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરી છે.