ખેડાના પલાણા ગામે હોળીની અનોખી ઉજવણી, સળગતા અંગારા પર ચાલે છે ગામલોકો

યોગીન દરજી, પલાણાઃ શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે કે, વિજ્ઞાન પણ મોમાં આંગળા નાંખી દે છે. ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. છેલ્લા ઘણાં વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં અત્યાર સુધી એકપણ દુર્ઘટના સર્જાઈ નથી. હોળીએ પાંચ હજારથી વધુ ભકતો અંગારા ઉપર ચાલે છે.
ખેડા જિલ્લાના પલાણા ગામે અનોખી પરંપરાગત હોળીની ઉજવણી કરવામાં આવે છે. આ ગામમાં હોળીદહનનાં થોડા સમય બાદ ધગધખતા અંગારાને જમીન પર પાથરવામાં આવે છે. ત્યારબાદ આ અંગારા પર આસ્થાભેર ગ્રામજનો ચાલે છે અને આસ્થાભેર ચાલતા ગ્રામજનોને જોવા મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો પણ પહોંચે છે.
આ પ્રથા ક્યારે શરૂ થઈ અને શા માટે શરૂ થઈ એના વિશે ગામમાં કોઈ કંઈ જ જાણતું નથી. પરંતુ વર્ષોથી ગામમાં આ રીતે હોળીની ઉજવણી થઈ રહી છે. હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અંગારા પર ચાલવા માટે દૂર-દૂરથી આવે છે.