T20 વર્લ્ડ કપની જેમ આ વખતે કોઈ સન્માન સમારોહ કેમ ન યોજાયો? આ કારણ આવ્યું સામે

ICC Champions Trophy 2025: ભારતીય ટીમના કેટલાક સભ્યો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા પછી સ્વદેશ પરત ફર્યા છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે. રોહિત સોમવારે રાત્રે મુંબઈ પહોંચ્યો. ટીમના અન્ય સભ્યો પણ દેશના વિવિધ શહેરોમાં ઉતર્યા છે. જેના કારણે ચાહકોમાં ચર્ચા શરૂ થઈ કે આ વખતે T20 વર્લ્ડ કપની જેમ સન્માન સમારોહનું આયોજન કેમ ન કરવામાં આવ્યું?

IPL પહેલા ખેલાડીઓને આરામ મળશે
ભારતીય ટીમના ખેલાડીઓને 22 માર્ચથી શરૂ થનારી IPL-2025 માટે તેમની ટીમોમાં જોડાતા પહેલા એક અઠવાડિયા માટે આરામ કરવાની તક મળશે. મોટાભાગના ખેલાડીઓ અને તેમના પરિવારો સોમવારે દુબઈથી પરત આવી ગયા હતા. કેટલાક ખેલાડીઓ એવા છે જે ત્યાં થોડા દિવસ રોકાયા છે.

ગંભીર દિલ્હી પહોંચી ગયો હતો
ગંભીર અને ફાસ્ટ બોલર હર્ષિત રાણા સોમવારે રાત્રે દિલ્હી પહોંચી ગયા હતા. રવિવારે રાત્રે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે દુબઈની હોટલમાંથી બહાર નીકળ્યો હતો. મિડલ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શ્રેયસ ઐયર 16 માર્ચે IPL 2025 માટે પંજાબ કિંગ્સ ટીમમાં જોડાશે. શ્રેયસ આ વખતે પંજાબની કેપ્ટનશીપ સંભાળશે. રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ભારતે તેની બધી મેચો દુબઈમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ રમી હતી.

ખેલાડીઓએ આરામને પ્રાથમિકતા આપી
બે મહિના લાંબી IPLને કારણે ખેલાડીઓએ આરામને પ્રાથમિકતા આપી છે. BCCIએ પણ T20 વર્લ્ડ કપ જીતીને ટીમ ઘરે પરત ફરતી વખતે જે રીતે સન્માન સમારોહ યોજ્યો હતો તેવો કોઈ પણ પ્રકારનો સન્માન સમારોહ યોજવાની યોજના નથી. ત્યાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝથી ખાસ ફ્લાઇટમાં સ્વદેશ પરત ફરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી. પીએમ સાથેની મુલાકાત બાદ ટીમ મુંબઈ આવી હતી અને ખેલાડીઓએ ખુલ્લી બસમાં વિજય યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા પછી BCCIએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.