November 22, 2024

રાંચીમાં INDIA બ્લોકની રેલીમાં બબાલ, કાર્યકરો વચ્ચે ઘર્ષણ, એકબીજા પર ખુરશીઓ ફેંકી

Ulgulan Rally: રાંચીમાં INDIA બ્લોકની રેલીમાં બબાલ દરમિયાન બે જૂથના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. કાર્યકરોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ બબાલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યકર્તાઓ એકબીજા પર ખુરશીઓ અને લાકડીઓથી હુમલો કરતા જોવા મળે છે. આ ઘટનામાં કેટલાક કાર્યકરો ઘાયલ થયા હતા. વીડિયોમાં એક વ્યક્તિના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે. કહેવામાં આવ્યું હતું કે ટિકિટની વહેંચણીને લઈને ઉમેદવારો વચ્ચે મતભેદ હતા, જે બાદ તેઓએ એકબીજા પર પ્રહારો કર્યા હતા.

‘ઉલ્ગુલન રેલી’માં ચતરા સીટ માટે RJD અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતા. આરજેડી ચતરા સીટ પરથી કેએન ત્રિપાઠીનો વિરોધ કરી રહી હતી. બીજી બાજુ કોંગ્રેસ તરફથી કેએન ત્રિપાઠીને ચતર બેઠક માટે ઉમેદવાર બનાવાયા છે. ઝારખંડના રાંચીમાં આજે ઈન્ડિયા બ્લોકની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મહાગઠબંધનના ઘણા મોટા નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, AAP સાંસદ સંજય સિંહ અને તેમની પત્ની ‘ઉલ્ગુલન રેલી’માં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઈન્ડિયા બ્લોકની આ મેગા રેલીમાં ભાગ નહીં લે, કારણ કે તેમની તબિયત અચાનક બગડી ગઈ છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે સ્ટેજ પાસે બે ખાલી ખુરશીઓ રાખવામાં આવી છે. આ રેલીમાં 14 પક્ષોના નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જેમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, NCP નેતા ફારૂક અબ્દુલ્લા ભાગ લેશે. આ ઉપરાંત અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ટીએમસીના ડેરેક ઓ બ્રાયન, શિવસેના (યુબીટી) તરફથી પ્રિયંકા ચતુર્વેદી, સીપીઆઈ (એમએલ)ના દિપાંકર ભટ્ટાચાર્ય પણ આ રેલીમાં ભાગ લેશે. આ રેલીમાં રાહુલ ગાંધી પણ આવવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રેલીમાં હાજર રહી શકશે નહીં.

ભાજપ ચૂંટણી પંચ પહોંચ્યું
ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચે મહાગઠબંધનની આ રેલી સામે પત્ર લખ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આ રેલી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે, કારણ કે ઈન્ડિયા બ્લોકે આ રેલીને લઈને ખુલ્લેઆમ બેનરો, પોસ્ટરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે.