November 22, 2024

યુવતીને ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી, યુવકને ઝડપીને અભયમની ટીમે સબક શીખવાડ્યો

સંજય વાઘેલા, જામનગરઃ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેની મદદથી જામનગરની વધુ એક પીડિતાને મદદ મળી છે.

જામનગરની એક યુવતી દ્વારા 181માં ફોન કરી જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા તેનો એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાંખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં તેણે ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતું કે, તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વીડિયો વાયરલ કરીશ અને બ્લેકમેઇલ કરી ડીકેવી સર્કલ પાસે મળવા બોલાવી હતી.

પરંતુ યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હોવાથી જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટનાસ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેમને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી, છતાં યુવક જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે. પીડિતાના ફોટા-વીડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે.

યુવતી જ્યારે યુવકને મળવા ગઈ હતી ત્યારે 181 અભયમ ટીમ દ્વારા યોગ્ય નિર્ણય લઇ રેસ્ક્યૂ વાન દૂર ઊભી રાખી હતી અને ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવી હતી. યુવક સ્થળ પર પહોંચતા જ તેને પકડી પડ્યો હતો. કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી તેના ફોનમાંથી ફોટો-વીડિયો ડિલિટ કરાવ્યા હતા અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ યુવકે ભૂલ સ્વીકારી ભવિષ્યમાં યુવતીને હેરાન નહીં તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત યુવતીનો નંબર ડિલિટ કરી ભૂલ સ્વીકારી માફી માગી હતી. પીડિતા આગળ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોવાથી સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું હતું. અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલી ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી યુવતીએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.