November 23, 2024

ભરૂચમાં ગરમીનો પારો વધતા સિવિલમાં લૂના સરેરાશ 5 કેસ

bharuch weather update temprature high average 5 cases of loo in civil

ભરૂચ સિવિલમાં દર્દીઓની લાઇનો લાગી છે.

જય વ્યાસ, ભરૂચઃ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 5 કેસ આવી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઉનાળાની અંગ દઝાડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઈ ચૂકી છે. હાલ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તેમજ આવનારા દિવસમાં ગરમી વધવાની શક્યતા છે. ગરમી વધુ પડતાં બાળકો, મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે. ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં સરેરાશ 5થી વધુ કેસ નોંધાય રહ્યા છે.

આવનારા દિવસોમાં આ કેસોમાં વધારો થવાની શક્યતા છે. હાલ આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરે સૂમસાન નજરે પડી રહ્યા છે. બપોરે 1 વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ વધુ થતાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડો. મહેશ સોલુંએ જણાવ્યું હતું કે, હાલ પડી રહેલા આકરા તાપમાં બને તેમ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વધુ પાણીનું સેવન કરવું જોઈએ. ચક્કર આવે કે માથું દુખવા જેવી સમસ્યાઓને અવગણવી નહીં. આ ઉપરાંત કોઈપણ સમસ્યા સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે જ હેડ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે તૈનાત છે.