March 18, 2025

ખાલિસ્તાનીઓ સામે અમેરિકા કાર્યવાહી કરે! આતંકવાદી પન્નુના SFJ પર રાજનાથ સિંહે તુલસી ગબાર્ડ સાથે કરી વાત

India Raises Khalistan Issue: કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન અમેરિકાની ધરતી પર ભારતીય હિતો વિરુદ્ધ કામ કરી રહેલા ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વાતચીતમાં મંત્રીએ ખાલિસ્તાની સંગઠન SFJ (Sikhs for Justice)ની ભારત વિરોધી ગતિવિધિઓ અંગે ચર્ચા કરી, જેને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ કામ કરવા માટે દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “ભારતે પોતાની ચિંતા વ્યક્ત કરી અને યુએસ વહીવટીતંત્રને ગેરકાયદેસર સંગઠન સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું.” યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

સંરક્ષણ અને સુરક્ષા સંબંધો પર ચર્ચા થઈ
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે બેઠક દરમિયાન સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજનાથ સિંહે કહ્યું કે, “યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડને નવી દિલ્હીમાં મળીને આનંદ થયો. અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના હેતુથી સંરક્ષણ અને માહિતીની આપ-લે સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.”

તુલસી ગબાર્ડ પણ અજિત ડોભાલને મળ્યા હતા
તુલસી ગબાર્ડ ભારતની અઢી દિવસની મુલાકાતે છે. આ પહેલા તેઓ NSA અજિત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. ડોભાલ અને ગબાર્ડ વચ્ચેની બેઠકમાં મુખ્યત્વે ગુપ્ત માહિતીની આપ-લે અને સુરક્ષા સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એક અમેરિકન સંગઠન છે જે ભારતમાંથી ખાલિસ્તાન નામના અલગ શીખ રાજ્યની માંગ કરી રહ્યું છે. ભારત સરકારે 2019 માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ SJF પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતો અલગતાવાદી જૂથ પણ કહેવામાં આવ્યો.