વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોના આતંકનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો, સરકારે પોતાનું વલણ કર્યું સ્પષ્ટ

જયેશ ચૌહાણ, અમદાવાદ: વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોના આતંકનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ. સરકાર શહેરમાં અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે. નાગરિકોને આતંકીત સ્થિતિમાં જોવા માંગતી નથી. પૌત્રના ગુનાના કારણે પોતાના ઘર પર બુલડોઝરના ડરથી થયેલી પીટિશનમાં સરકારે વલણ સ્પષ્ટ કર્યું હતું. DGPએ પણ અસામાજિક તત્વો અંગે વિગત માગી છે.

રાજ્યના પોલીસ વડાએ રાજ્યભરમાં અસામાજિક તત્વો, તોફાની તત્વો, દારૂ જુગાર સહિતની બદીઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, અને શરીર સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસનો અહેવાલ માંગ્યો છે. રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે. વસ્ત્રાલમાં આતંક મચાવનારા તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. 10-10 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલાં લેવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માગે છે, નાગરિકોને આતંકીત સ્થિતિમાં જોવા માંગતી નથી. શહેરોની સુરક્ષા માટે પોલીસ અને કોર્પોરેશનના સંકલનમાં કડક કાર્યવાહી થશે.