PM મોદીએ Tulsi Gabbardને ગિફ્ટ કર્યું મહાકુંભનું પવિત્ર જળ

PM Modi meet Tulsi Gabbard: PM નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, પીએ મોદીએ તેમને પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ ભેટ આપ્યું. મહાકુંભ-2025 પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાયો હતો, જે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો. આ ધાર્મિક મેળામાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.

પીએમ મોદીને મળતા પહેલા તુલસી ગબાર્ડે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા અમેરિકન ધરતી પર કરવામાં આવી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મનું પાલન કરતી તુલસી ગબાર્ડે સમાચાર એજન્સી ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તે ઘણીવાર સારા અને મુશ્કેલ બંને સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે.

તુલસી ગબાર્ડ રવિવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ગુપ્તચર સહયોગ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમની આ મુલાકાત ફેબ્રુઆરીમાં PM નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી થઇ હતી. જ્યાં તેઓ તુલસી ગબાર્ડને મળ્યા અને તેણીને ભારત-યુએસ સંબંધોના મજબૂત સમર્થક ગણાવ્યા.