March 18, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશન દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઇ રહી છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની પ્રાઇમરી શાળાઓ ચાલી રહી છે. જોકે આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન છે.

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન સંચાલીત સ્કુલ શાળાઓમાં હાલમા પ્રાથમિક અભ્યાસ જ કરાવવામા આવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની 400 શાળાઓમા ધો. 1 થી 8માં અંદાજીત 1.70 લાખ વિદ્યાર્થીઓ અભ્યીસ કરે છે. પરંતુ ધો 8 બાદ બાળકોને ખાનગી શાળાઓમા મોટી ફી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નજીવી ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો, પરંતુ હવે આગામી શૈક્ષણીક વર્ષથી સ્કૂલ બોર્ડ માઘ્યમિક શાળા શરૂ કરવા જઇ રહી છે. જેનાથી વિદ્યાર્થીઓને ફી ભરીને શાળાઓમાં અભ્યાસ કરવો નહી પડે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહીતની સુવીધાઓ વિનામુલ્યે મળી રહેશે.

સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, આ સાત ઝોનમાં હાલમાં આ શાળા શરૂ કરવામા આવશે અને ત્યાર બાદ બોર્ડની સૂચના અને વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને તેનું વિસ્તરણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું કે, સ્કૂલ બોર્ડ દ્વારા ખૂબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે. વિદ્યાર્થીઓનો આ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સ્કૂલ બોર્ડ ધોરણ 9 થી 10 શરૂ કરી રહી છે. એટલું જ નહીં ધોરણ એક થી આઠ સુધી સ્કૂલ બોર્ડની શાળામાં મફત અભ્યાસ કરીને જઈ રહેલા વિદ્યાર્થીઓને ધોરણ 9માં ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો જે છે સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 1થી 10માં વિદ્યાર્થીઓ ફ્રીમાં અભ્યાસ કરી શકે તે પ્રકારનું પણ આયોજન છે.