અમદાવાદ: સમલૈંગિક સંબંધ, રૂ.10 હજારની ઉઘરાણી અને મિત્રના હાથે મિત્રની હત્યા
મિહિર સોની, અમદાવાદ: બોપલમાં બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાઇ ગયો છે. જેમાં રૂ. 10 હજારની ઉઘરાણી માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. SGVP હોસ્પિટલમાં કામ કરતા બંને મિત્રો વચ્ચે પૈસાને લઈને તકરાર ચાલતી હતી. ત્યાં જ બંને વચ્ચે સમલૈંગિક સંબધ પણ હતા.
અમદાવાદ ગ્રામ્યમાં બોપલ નજીક આવેલા શ્રી શક્તિ કન્વેનશન સેન્ટર નજીક વરંડાવાળી અવાવરું જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. માથું ઇટોથી છુદાઈ ગયું હોવાથી પોલીસે અકસ્માતે મોતની ઘટના નોંધીને મૃતકની ઓળખ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક 51 વર્ષનો નિલેશ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. 11 મેથી નિલેષ વાઘેલા ગુમ હતો અને 13 મેં નારોજ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન મૃતકના તેના મિત્ર રમેશભાઈ ધામોર સાથેના સમલૈંગિક સંબધની જાણ થઈ હતી. પોલીસે આરોપી રમેશની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઉછીના આપેલા રૂ.10 હજાર મૃતક પરત નહીં આપતો હોવાથી આરોપીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બોપલ પોલીસે રમેશ ધામોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: બગોદરામાં પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી મૃતદેહ ખાડામાં ફેંક્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નિલેશ વાઘેલા અને આરોપી રમેશ ધામોર બંને એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. બંન્ને SGVP હોસ્પિટલમાં અને મેડિકલ સ્ટોરમાં હાઉસકિપીંગનું કામ કરતા હતા. અને બન્ને વચ્ચે સમલૈંગિક સંબંધ શરૂ થયો હતો. તેઓ અવાવરું સ્થળે મળતા હતા. બંન્ને વચ્ચે એટલો ગાઢ સંબંધ થયો કે રમેશ ધામોરે નિલેશ વાઘેલાને રૂ.10 હજાર ઉછીના આપ્યા હતા. પરંતુ આ પૈસા નિલેશ પરત કરતો નહતો. જેથી ગુસ્સે થયેલા રમેશે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપીએ સમલૈંગિક સંબંધ માટે નિલેશને બોપલ મળવા બોલાવ્યો હતો. અને ત્યાર બાદ પૈસાની ઉઘરાણી કરી હતી. બને વચ્ચે ઝઘડો થતા રમેશે ઇટથી હુમલો કરીને નિલેશને નીચે પાડી દીધો હતો અને ત્યાર બાદ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
બોપલ પોલીસે હત્યા કેસમાં આરોપી રમેશ ધામોરની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતકનો મોબાઈલ અને એક્ટિવા હજુ મિસિંગ છે. જેથી પોલીસે મોબાઈલ અને એક્ટિવાની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત આ હત્યા પાછળ 10 હજાર રૂપિયા જ જવાબદાર છે કે અન્ય કોઈ અદાવત છે. તે મુદ્દે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.