ગુટખા ખાવાના શોખમાં બન્યા ચોર, આખરે બંનેની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: મોબાઈલનો શોખ અને ગુટખાના વ્યસન કરવા 2 યુવકો ચોર બન્યા. બંને શખ્સોએ અમદાવાદના ઓઢવ અને મણિનગરમાં ચોરી ચોરી તો કરી. પરંતુ, ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બંન્ને આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીઓ રૂ. 12 હજારનો ગુટખા અને મસાલો ચોરીને ખાધો હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઇમ બ્રાન્ચે મોહમદવાજીદ ઉર્ફે છોટુ શેખ અને અરબાજખાન પઠાણ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓને મોબાઈલ રાખવાનો શોખ અને ગુટખા ખાવાનું વ્યસન હતું. જેથી મોજશોખ પુરા કરવા માટે તેઓ ચોર બન્યા. મણિનગરમાં આવેલી મોબાઇલની દુકાનમાં 8 મોબાઈલની ચોરી કરી તો ઓઢવમાં જનતા પ્રોવિઝન સ્ટોરમાંથી રૂ 12 હજારની રજનીગંધા, RMD અને સિગારેટનો જથ્થો તેમજ રૂ 1.02 લાખની રોકડની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યુ કે પકડાયેલા બન્ને આરોપી મોહમદવાજીદ અને અરબાજખાન બાપુનગરના રહેવાસી છે. તેમની સાથે બાપુનગરના અન્ય બે આરોપી અમન ઉર્ફે ચોર પઠાણ અને છોટુ પઠાણએ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચારેય મિત્રો છે. તેમને સિગરેટ અને ગુટખા ખાવાનું વ્યસન છે. જ્યારે મોંઘા મોબાઈલ વાપરવાનો શોખ છે. પરંતુ, આ આરોપીઓ બેકાર છે. જેથી ચોરી કરીને મોજશોખ પુરા કરવાનું નક્કી કર્યું અને પોતાની ગેંગ બનાવી હતી. જેમાં મોહમદવાજીદ કુખ્યાત આરોપી છે. તેની વિરુદ્ધ અગાઉ બાપુનગર, ઓઢવ, રખિયાલ અમરાઈવાડી અને રામોલમાં 13 ગુના નોંધાયા છે. જ્યારે અરબાજખાન વિરુદ્ધ બાપુનગરમાં 2 ગુના નોંધાયા છે.
ક્રાઇમ બ્રાન્ચે બંન્ને આરોપીની ધરપકડ કરીને મોહમદવાજીદ નામના આરોપીને મણિનગર પોલીસ અને અરબાજખાનને ઓઢવ પોલીસને સોંપ્યા છે. જ્યારે બે વોન્ટેડ આરોપી અમન પઠાણ અને છોટુ પઠાણની શોધખોળ શરૂ કરી છે.